IPL 2027 પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમનો કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઝડપી બોલર પેટ કમિન્સ આગામી સિઝનમાં રમતો જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયાના વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને કારણે કમિન્સની ઉપલબ્ધતા અંગે સવાલો ઊભા થયા હતા. જોકે, હવે તેના જ એક સાથી ખેલાડીએ કમિન્સ સાથે સીધી વાતચીત કર્યા બાદ સ્પષ્ટ કર્યું છે કે તે IPLમાં ચોક્કસ આવશે. આ સમાચારથી હૈદરાબાદની ટીમને મિની ઓક્શન પહેલાં મોટી રાહત મળી શકે છે.
કમિન્સે સાથી ખેલાડીને શું કહ્યું?
ક્રિકબઝના અહેવાલ પ્રમાણે, IPL 2027માં પેટ કમિન્સ રમશે કે નહીં તે અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે SRHના એક વરિષ્ઠ ખેલાડીએ મોટો ખુલાસો કર્યો છે. આ ખેલાડી હાલમાં UAEમાં રમાઈ રહેલી ILT20 ટૂર્નામેન્ટનો ભાગ છે. તેણે કમિન્સ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “મેં પેટ સાથે વાત કરી છે. તેણે કહ્યું છે કે તે ચોક્કસ આવશે. જો આખી સિઝન માટે નહીં આવી શકે તો ઓછામાં ઓછો અમુક સમય માટે તો રમશે જ.” આ નિવેદનથી એટલું સ્પષ્ટ થાય છે કે કમિન્સ IPL 2027માં રમવા માટે તૈયાર છે, પરંતુ તે આખી સિઝન રમશે કે નહીં તે અંગે હજુ અંતિમ સ્પષ્ટતા થઈ નથી.
ઓસ્ટ્રેલિયાનું વ્યસ્ત શેડ્યૂલ બન્યું મુશ્કેલીનું કારણ
કમિન્સની ઉપલબ્ધતા અંગે શંકા ઊભી થવાનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયાનું વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલ છે. IPL 2027 પહેલાં ઓસ્ટ્રેલિયાને નવ ટેસ્ટ મેચ રમવાની છે. તેમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારત સામેની પાંચ ટેસ્ટ મેચનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત IPL પછી જૂનથી ઓગસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની એશિઝ શ્રેણી રમાવાની છે. આટલા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે કમિન્સ પોતાના વર્કલોડનું સંચાલન કેવી રીતે કરશે તે મોટો સવાલ હતો. કમિન્સે IPL 2026માં પણ આખી સિઝન રમી નહોતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મંજૂરી મોડેથી મળતાં તે સિઝનના બીજા ભાગમાં ટીમ સાથે જોડાયો હતો અને માત્ર આઠ મેચ રમ્યો હતો. તેની ગેરહાજરીમાં ઈશાન કિશને ટીમની કમાન સંભાળી હતી.
ટ્રેવિસ હેડ અને મિચેલ સ્ટાર્ક IPL 2027માંથી બહાર
એક તરફ કમિન્સના રમવાના સમાચાર હૈદરાબાદ માટે રાહતરૂપ છે, તો બીજી તરફ ટીમે ટ્રેવિસ હેડને છોડવો પડ્યો છે. હેડે પારિવારિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જવાબદારીઓને ધ્યાનમાં રાખીને IPL 2027માંથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સે પણ મિચેલ સ્ટાર્કને રિલીઝ કર્યો છે. સ્ટાર્કે પોતાના વર્કલોડનું સંચાલન કરવા માટે આગામી સિઝનમાં નહીં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બીજી તરફ, જોશ હેઝલવુડ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમવા ઉપલબ્ધ રહેશે. કોલકાતા નાઈટ રાઇડર્સે પણ કેમેરોન ગ્રીનને જાળવી રાખ્યો છે અને તે આખી સિઝન માટે ઉપલબ્ધ રહેવાની આશા છે.
હવે હૈદરાબાદની નજર 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારા IPL 2027ના મિની ઓક્શન પર રહેશે. કમિન્સની ઉપલબ્ધતા અંગે સકારાત્મક સંકેત મળતાં ટીમ પોતાની આગામી યોજનાઓ વધુ સ્પષ્ટ રીતે બનાવી શકશે.
આ પણ વાંચો: Rishabh Pantની આ એક આદત બની સદીની દુશ્મન, તેમ છતા પંતે કહ્યું- આ મારી જૂની આદત છે