દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે પ્રથમ T20 મેચમાં મેળવેલી ભવ્ય જીતથી ઉત્સાહિત ભારતીય ટીમ હવે બીજી T20 મેચ જીતીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. આ સાથે જ ટીમ પોતાના પાંચમા બોલરની સમસ્યાનો પણ ઉકેલ શોધવા માંગશે. હાર્દિક પંડ્યાની ઈજાના કારણે ભારતીય ટીમમાં એક વિશ્વસનીય પાંચમા બોલરની ખોટ વર્તાઈ રહી છે. T20 વર્લ્ડ કપ વિજેતા ભારતે રવિવારે રમાયેલા એકતરફી મુકાબલામાં અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં શાનદાર વાપસી કરી હતી. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમે પ્રથમ મેચમાં તમામ ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ઓપનર અભિષેક શર્મા આ જીતના મુખ્ય હીરો રહ્યા હતા. અર્શદીપે 19 રન આપીને 3 વિકેટ ઝડપી અફઘાનિસ્તાનને 8 વિકેટે 156 રન પર સીમિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ અભિષેકે તોફાની બેટિંગ કરતા માત્ર 32 બોલમાં 82 રન ફટકાર્યા હતા. જેના થકી ભારતે 13.4 ઓવરમાં જ લક્ષ્યાંક હાસલ કરી લીધો હતો.
ભારતે પાંચમા બોલરની સમસ્યાનો ઉકેલ લાવવો પડશે
જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીએ પણ ઈજામાંથી વાપસી કરીને સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ મહિનાના અંતમાં યોજાનારી એશિયન ગેમ્સ પહેલા ભારતે પાંચમા બોલરની સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. પ્રથમ મેચમાં કેપ્ટન અય્યરને આ વિકલ્પ પૂરો કરવામાં ભારે મુશ્કેલી પડી હતી, કારણ કે ઓલરાઉન્ડર શિવમ દુબે અને નિતિશ કુમાર રેડ્ડી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહોતા. રેડ્ડીએ પોતાની 2 ઓવરમાં 30 રન લૂંટાવ્યા હતા, જ્યારે છેલ્લી ઓવર ફેંકનાર દુબેએ 21 રન આપ્યા હતા. અભિષેક શર્માએ પણ એક ઓવર ફેંકી હતી. આ ત્રણેયે મળીને પોતાની 4 ઓવરમાં 59 રન આપ્યા હતા. અર્શદીપ, બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીના શાનદાર પ્રદર્શનને કારણે આ નબળાઈ ભારતીય ટીમને ભારે ન પડી, પરંતુ ભવિષ્યમાં ટીમે આનું નુકસાન ભોગવવું પડી શકે છે.
ટીમમાં સ્થાન મેળવવા માટે વૈભવ અને સેમસન વચ્ચે સ્પર્ધા
બેટિંગ વિભાગની વાત કરીએ તો અભિષેકે પોતાની વિસ્ફોટક ઈનિંગથી પોતાના ફોર્મને લઈને ઊભા થયેલા તમામ સવાલોના જવાબો આપી દીધો છે. સારા ફોર્મમાં ચાલી રહેલા ઈશાન કિશને પ્રેક્ટિસ દરમિયાન પીઠની હળવી ઈજા હોવા છતાં 33 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. જો કે, ઓપનર સંજુ સેમસન (10 રન) માટે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન જાળવી રાખવા માટે મોટી ઈનિંગ રમવી જરૂરી બની ગઈ છે. આગુ તેણે ભારતની T20 વર્લ્ડ કપ જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું, પરંતુ ત્યારબાદ તેનું પ્રદર્શન કથળ્યું છે, અને તેણે અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા રમેલી 4 ઇનિંગ્સમાં માત્ર 33 રન બનાવ્યા હતા. સેમસનને હવે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી તરફથી કડક સ્પર્ધા મળી રહી છે, તેથી એશિયન ગેમ્સની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન પાક્કું કરવા તેણે ટૂંક સમયમાં મોટો સ્કોર કરવો પડશે.
પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનની ટીમનો ધબડકો
બીજી તરફ, પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ ભારત સામે ક્યાંય ટકી શકી નહોતી. તેના બેટ્સમેનો અને બોલરો બંનેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જો ભારતીય ટીમને ટક્કર આપવી હોય તો અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ જવાબદારીપૂર્વક રમવું પડશે. રહમાનુલ્લાહ ગુરબાજ અને કેપ્ટન ઈબ્રાહિમ ઝાદરાન જલ્દી આઉટ થઈ જતાં ટીમ દબાણમાં આવી ગઈ હતી અને 7મી ઓવરમાં જ 43 રન પર અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. મોહમ્મદ નબી અને અઝમતુલ્લાહ ઉમરઝાઈની ભાગીદારીએ થોડી આશા જગાવી હતી, પરંતુ અન્ય બેટ્સમેનોએ પણ સારું પ્રદર્શન કરવું પડશે. મેચ બાદ અફઘાન કેપ્ટન ઝાદરાને જણાવ્યું હતું કે, અમે પ્રથમ 3 ઓવરમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ સારું યોગદાન આપી શક્યા નહીં. અમે સતત વિકેટો ગુમાવી અને ભારતે અમારા પર દબાણ બનાવી દીધું હતું. વચ્ચેની ઓવરોમાં અમે સારી બેટિંગ કરી પરંતુ જેટલા રન બનાવવા માંગતા હતા તેટલા બનાવી શક્યા નહીં.