ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026ની છઠ્ઠી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 64 રનથી જીતીને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં બેટિંગ કર્યા બાદ 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવવામાં સફળ રહી હતી. પ્રથમ બેટિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. તેમને પહેલી ઓવરમાં જ પહેલો ઝટકો લાગ્યો જ્યારે શેફાલી વર્મા 6 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ તરત જ બીજી ઝટકો લાગ્યો. ત્રીજા નંબર પર બેટિંગ કરતી જેમીમા માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 68 રનની શાનદાર ઈનિંગ રમી. કેપ્ટન હરમનપ્રીત કૌરે 36 રન અને રિચા ઘોષે 34 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી કેપ્ટન ફાતિમા સના અને સાદિયા ઈકબાલે 2-2 વિકેટ લીધી, જ્યારે તસ્મિયા રૂબાબ અને રમીન શમીમે 1-1 વિકેટ લીધી. ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 20 ઓવર સુધી પણ બેટિંગ કરી શકી ન હતી અને 17 ઓવરમાં 106 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બોલિંગમાં ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. તેના સિવાય શ્રી ચરણીએ 3 અને શેફાલી વર્માએ 1 વિકેટ લીધી.


  • Follow us on: