ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ ખુબ જ રોમાંચક રહી હતી. આ દરમિયાન કોઈ એક એવી ક્ષણ પણ સામે આવે છે જે ચાહકોને લાંબા સમય સુધી યાદ રહે છે. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026માં એજબેસ્ટનમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે ભારતીય ખેલાડી શ્રેયંકા પાટિલે હવામાં જઈ એવો કેચ પકડ્યો કે,આખું સ્ટેડિયમ તેમજ તેના ચાહકો ચોંકી ગયા હતા. ભારતીય ટીમની જીત વચ્ચે શ્રેયંકાનો આ શાનદાર કેચ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આઈસીસીએ પોતાના ઓફિશિયલ ફેસબુક અકાઉન્ટ પર આ શાનદાર કેચનો વીડિયો શેર કર્યો છે.


શ્રેયંકાએ પકડ્યો શાનદાર કેચ

પાકિસ્તાનની ઈનિગ્સની 15મી ઓવરમાં સ્પિનર શ્રી ચરણી બોલિંગ કરી રહી હતી. તેમણે ઓવરના ચોથા બોલ ઓફ સ્ટંપની બાહર થોડો ફ્લાઈટેડ રાખ્યો હતો. આ બોલ પર રમી શમીમ આગળ આવી મોટો શોર્ટ રમવા ગઈ હતી પરંતુ આ શોર્ટને શ્રેયંકા પાટિલે એવી રીતે પકડ્યો કે, બધા જોતા રહી ગયા. તેમણે હવામાં ડ્રાઈવ લગાવી આ શાનદાર કેચ પકડ્યો હતો. શ્રેયંકાના આ કેચ બાદ પાકિસ્તાનનો સ્કોર 91/7 હતો. મેચ સંપૂર્ણ રીતે ભારતીય ટીમની નજરમાં જોવા મળી રહી હતી.

મંધાના અને દીપ્તિએ અપાવી જીત

આ પહેલા ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 170/6 નો મજબુત સ્કોર બનાવ્યો હતો. શરુઆતના ઝટકા બાદ સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી 44 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેની ઈનિગ્સમાં 9 ચોગ્ગા અને 2 સિકસ સામેલ હતી. સ્મૃતિ મંધનાએ કેપ્ટન હરમનપ્રીત કૌરની સાથે ત્રીજી વિકેટ માટે 91 રનની મહત્વની પાર્ટનરશીપ કરી હતી. હરમનપ્રીત કૌરે 36 રન બનાવ્યા હતા. જ્યારે રિચા ધોષે 17 બોલમાં 34 રનની તોફાની ઈનિગ્સ રમી ભારતને મોટા સ્કોર સુધી પહોંચાડયું હતુ.


ભારતીય ટીમે 64 રનથી શાનદાર જીત મેળવી

171 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાને શાનદાર શરુઆત કરી હતી. પાવરપ્લે સુધી 52/1 બનાવ્યા હતા. મુનબા અલીએ 41 રન બનાવ્યા હતા પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ આખી મેચને પલટાવી નાંખી હતી. દીપ્તિ શર્માએ 4 ઓવરમાં માત્ર 10 રન આપી 5 વિકેટ લીધી હતી. શ્રી ચરણી 3 વિકેટ લઈ પાકિસ્તાનને ધુળ ચટાવી હતી. આખી પાકિસ્તાનની ટીમ 17 ઓવરમાં 106 રન પર સમેટાય ગઈ હતી. ભારતીય ટીમે 64 રનથી શાનદાર જીત મેળવી હતી.

આ પણ વાંચો - Women's T20 World Cup: Netherlandsની કેપ્ટનની ધમાકેદાર એન્ટ્રી, ડેબ્યૂ મેચમાં જ ફટકારી અડધી સદી


  • Follow us on: