ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના હાલમાં ઈંગ્લેન્ડમાં છે, ICC વિમેન્સ T20 વર્લ્ડકપમાં ભાગ લઈ રહી છે. ભારતે પોતાની શરૂઆતની મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ હાઈ-વોલ્ટેજ મેચમાં સ્મૃતિ મંધાનાએ ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

સ્મૃતિ મંધાના 44 બોલમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી. હવે ટીમ ઈન્ડિયા 17 જૂને પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ્સનો સામનો કરશે. આ મેચ પહેલા સ્મૃતિ મંધાનાના ફેન્સ માટે મોટા સમાચાર છે.

આ લિસ્ટમાં એકમાત્ર ભારતીયનો સમાવેશ

હકીકતમાં સ્મૃતિ મંધાનાને ફેમસ TIME મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી ખેલાડીઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. આ વિશિષ્ટ લિસ્ટમાં સામેલ થનારી તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. TIMEની 2026ની 100 સૌથી પ્રભાવશાળી ખેલાડીઓના લિસ્ટમાં રમતગમતમાં નોંધપાત્ર યોગદાન આપનારા ખેલાડીઓ કોચ અને રોકાણકારોનો સમાવેશ થાય છે.

આ લિસ્ટમાં અમેરિકન બાસ્કેટબોલ દિગ્ગજ લેબ્રોન જેમ્સ, તેમજ ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસી, ચીની-અમેરિકન સ્કીઅર આઈલીન ગુ, ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝ, બાસ્કેટબોલ ખેલાડી વિક્ટર વેમ્બાન્યામા અને ફેમસ ગોલ્ફર રોરી મેક્લરોય જેવા મોટા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા, ન્યૂ યોર્ક નિક્સ બાસ્કેટબોલ ખેલાડી જેલેન બ્રુન્સન અને FIFA પ્રેસિડેન્ડ જિયાની ઈન્ફેન્ટિનોનો પણ સમાવેશ થાય છે.

સ્મૃતિ મંધાનાના નામે ઘણા મોટા રેકોર્ડ 

29 વર્ષની સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં એક મહત્વપૂર્ણ ખેલાડી છે અને તેણે અનેક મોટા રેકોર્ડ બનાવ્યા છે. TIME એ સ્મૃતિ મંધાના વિશે લખ્યું છે કે મુંબઈમાં જન્મેલી લેફ્ટ હેન્ડની ઓપનિંગ બેટ્સમેન ઘરેલુ ODI મેચમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા છે. 

સ્મૃતિ મંધાના ત્રણેય ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સદી ફટકારનાર પહેલી મહિલા ખેલાડી પણ છે. મહિલા ક્રિકેટમાં સૌથી વધુ ઈન્ટરનેશનલ સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે, જેમાં 17 સદીનો સમાવેશ થાય છે. તે એક કેલેન્ડર વર્ષમાં 1000 થી વધુ ODI રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર પણ છે.

ટાઈમ મેગેઝિને સ્મૃતિ મંધાનાની પ્રશંસા કરતા કહ્યું કે તેણે તેની ટીમની સફળતાઓ પર સૌથી વધુ ગર્વ છે. તેણે 2024 અને 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને વિમેન્સ પ્રીમિયર લીગ ટાઈટલ અપાવ્યા હતા, અને ગયા વર્ષે ICC વિમેન્સ વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમની વાઈસ-કેપ્ટન હતી, અને ટુર્નામેન્ટમાં બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી

આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!