એશિયા કપ 2026ની પ્રથમ સેમિફાઈનલમાં બાંગ્લાદેશને હરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સતત 10મી વખત આ ટુર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. આ સાથે જ આવી સિદ્ધિ હાંસલ કરનારી ભારત એકમાત્ર ટીમ બની ગઈ છે. અત્યાર સુધીમાં ભારતે સૌથી વધુ સાત વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. અત્યાર સુધીમાં આ ટુર્નામેન્ટમાં ભારતે તેની તમામ મેચો જીતી લીધી છે. હવે શુક્રવારે પાકિસ્તાન તથા શ્રીલંકા વચ્ચે રમાનારા બીજા સેમિફાઈનલના વિજેતા સામે ફાઈનલ જંગ ખેલાશે. ફાઈનલમાં પહોંચ્યા બાદ ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ જણાવ્યું હતું કે, ફાઈનલમાં સામે પાકિસ્તાન હોય કે શ્રીલંકા, તેનાથી ટીમને કોઈ ખાસ ફરક પડતો નથી.
શું કહ્યું દીપ્તિએ?
બાંગ્લાદેશ સામે 40 રને શાનદાર વિજય મેળવ્યા બાદ દીપ્તિએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું, હકીકતમાં એ પરિણામ પર નિર્ભર કરે છે, પરંતુ ભારતીય ટીમ આ બાબતે સ્પષ્ટ છે. અમારી ટીમ કોઈ પણ વિરોધી ટીમને હળવાશથી લેતી નથી. ફાઈનલમાં પાકિસ્તાન આવે કે શ્રીલંકા, તેનાથી કોઈ ફરક નથી પડતો. એક ટીમ તરીકે અમારો અભિગમ હંમેશાં એ જ રહે છે કે અમે દરેક મેચમાં વધુ સારું પ્રદર્શન કેવી રીતે કરી શકીએ. એક ટીમ તરીકે અમે એવું જ વિચારીએ છીએ કે મેચમાં અમારું શ્રેષ્ઠ યોગદાન કેવી રીતે આપી શકીએ. અમે સાથે બેસીને કાલની મેચ જોઈશું, જેથી ફાઈનલ માટે રણનીતિ ઘડી શકાય.
એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર
ભારતે આ સ્પર્ધામાં અત્યાર સુધી પોતાની તમામ મેચો જીતી છે, જેમાં પાકિસ્તાન સામેની મેચનો પણ સમાવેશ થાય છે. ગ્રુપ સ્ટેજની એ મેચમાં ભારતે પાકિસ્તાનને 55 રનથી હાર આપી હતી અને 68 બોલ બાકી હતા ત્યારે જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. તે મેચમાં દીપ્તિએ બે વિકેટ ઝડપી હતી. સેમિફાઈનલમાં બાંગ્લાદેશ સામે 26 રનમાં 3 વિકેટ લેવાની સાથે જ દીપ્તિ આ એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે. તેના નામે હવે કુલ 11 વિકેટો છે. આ ઉપરાંત તેણે બેટિંગમાં પણ અંતિમ ક્ષણોમાં માત્ર છ બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ઝડપી 13 રન ફટકાર્યા હતા.
કેચિંગ અને ફિલ્ડિંગ ચિંતાનો વિષય
જો કે, ફાઈનલ પહેલા ભારત માટે કેચિંગ અને ફિલ્ડિંગ ચિંતાનો વિષય બન્યું છે, જે ફાઈનલ મેચમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. ટીમનો કેચ છોડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, અને બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ભારતીય ખેલાડીઓએ ચાર કેચ છોડ્યા હતા.
ફાઈનલ માટે સંપૂર્ણ સજ્જ
કેચિંગ અંગે વાત કરતા દીપ્તિએ જણાવ્યું હતું કે, એક ટીમ તરીકે અમે ફિલ્ડિંગમાં સખત મહેનત કરી રહ્યા છીએ અને પ્રેક્ટિસ સેશનમાં કેચિંગ પર ઘણું ધ્યાન આપી રહ્યા છીએ. મારૂં માનવું છે કે કોઈક દિવસે મેદાન પર આવી ભૂલો થઈ જતી હોય છે, પરંતુ એક ટીમ તરીકે અમે ફાઈનલ માટે સંપૂર્ણ રીતે સજ્જ અને તૈયાર છીએ.