વુમન્સ એશિયા કપ 2026માં સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ પાકિસ્તાન બની ગઈ છે.ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ લાગી રહ્યું હતું.જોકે,ટીમે પોતાના અંતિમ ગ્રુપ મેચમાં હોંગકોંગને 72 રનથી હરાવીને અંતિમ-4માં સ્થાન મેળવી લીધું છે.આ સાથે ગ્રુપ Aમાંથી ભારત અને પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. જ્યારે ગ્રુપ Bમાંથી શ્રીલંકાએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે માત્ર એક સ્થાન બાકી છે અને તેના માટે બાંગ્લાદેશ તથા UAE વચ્ચે આજે મહત્વપૂર્ણ મુકાબલો રમાશે.

ભારતે સૌથી પહેલા સેમિફાઇનલમાં બનાવી જગ્યા

વુમન્સ એશિયા કપ 2026માં ભારતે સૌથી પહેલા સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.ભારતીય મહિલા ટીમે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ત્રણેય મેચ જીતી હતી.ભારતે પોતાની પ્રથમ મેચમાં થાઇલેન્ડને 94 રનથી હરાવ્યું હતું.ત્યારબાદ પાકિસ્તાન સામે 7 વિકેટે જીત મેળવી હતી.ભારતે ગ્રુપ સ્ટેજની ત્રીજી મેચમાં હોંગકોંગને પણ 137 રનથી હરાવીને સેમિફાઇનલમાં પોતાની જગ્યા વધુ મજબૂત કરી હતી.ગ્રુપ Aમાં ભારત પ્રથમ અને પાકિસ્તાન બીજા સ્થાને રહ્યું છે.પાકિસ્તાને ભારત સામેની કારમી હાર બાદ જોરદાર વાપસી કરી અને હોંગકોંગ સામે જીત મેળવીને સેમિફાઇનલની ટિકિટ મેળવી લીધી.

શ્રીલંકા પણ સેમિફાઇનલમાં

ગ્રુપ Bમાંથી શ્રીલંકાએ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.શ્રીલંકાએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને પોતાની તમામ ગ્રુપ મેચ જીતી છે.શ્રીલંકાએ UAE, ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશને હરાવીને ગ્રુપ Bમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.હવે સેમિફાઇનલમાં તેનો સામનો પાકિસ્તાન સામે થશે.આ મુકાબલો 11 સપ્ટેમ્બરે રમાશે.પાકિસ્તાન માટે શ્રીલંકા સામેનો મુકાબલો સરળ નહીં હોય.બંને ટીમો અગાઉ પણ એશિયા કપની સેમિફાઇનલમાં ટકરાઈ ચૂકી છે અને શ્રીલંકાએ બંને વખત પાકિસ્તાનને હરાવ્યું હતું.તેથી આ વખતે પાકિસ્તાન પાસે જૂની હારનો બદલો લેવાની તક રહેશે.

https://x.com/ACCMedia1/status/2096876525224378418?s=20


બાંગ્લાદેશ અને UAE વચ્ચે વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ

હવે સેમિફાઇનલની ચોથી ટીમ કોણ હશે તેનો નિર્ણય બાંગ્લાદેશ અને UAE વચ્ચેની મેચથી થશે.બંને ટીમો ગ્રુપ Bમાં શ્રીલંકા સામે હારી ચૂકી છે,જ્યારે બંનેએ ઇન્ડોનેશિયા સામે જીત મેળવી છે.આ કારણોસર 8 સપ્ટેમ્બરે રમાનારી બાંગ્લાદેશ અને UAEની મેચ વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ જેવી બની ગઈ છે.આ મેચ જીતનારી ટીમ સીધી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.ચોથી ટીમનો સામનો 10 સપ્ટેમ્બરે પ્રથમ સેમિફાઇનલમાં ભારત સામે થશે. ભારતીય ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી છે, તેથી બાંગ્લાદેશ અને UAE બંને માટે આ મોટો પડકાર હશે.

ભારત અને શ્રીલંકા અપરાજિત

વુમન્સ એશિયા કપ 2026માં અત્યાર સુધી ભારત અને શ્રીલંકા એવી બે ટીમો છે, જેઓ એક પણ મેચ હારી નથી.ભારતીય ટીમે ત્રણેય ગ્રુપ મેચમાં શાનદાર જીત મેળવી છે,જ્યારે શ્રીલંકાએ પણ પોતાના ત્રણેય મુકાબલા જીત્યા છે.બીજી તરફ થાઇલેન્ડ, હોંગકોંગ અને ઇન્ડોનેશિયાની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. હવે માત્ર એક સેમિફાઇનલ સ્થાન બાકી છે અને તેના માટે બાંગ્લાદેશ તથા UAE વચ્ચે જોરદાર મુકાબલો થશે.10 અને 11 સપ્ટેમ્બરે રમાનારી સેમિફાઇનલ બાદ વુમન્સ એશિયા કપ 2026ની ફાઇનલિસ્ટ ટીમો નક્કી થશે. ભારત અને શ્રીલંકા અત્યાર સુધી અપરાજિત હોવાથી બંને ટીમો પાસેથી ચાહકોને મોટી અપેક્ષા છે.

આ પણ વાંચો - પાકિસ્તાનના ખેલાડીઓ ફરી વિવાદમાં, ગંભીર આરોપમાં આ ખેલાડીઓની થશે તપાસ