હાલમાં અમદાવાદ ખાતે રમાઈ રહેલી વર્લ્ડ તીરંદાજી પેરા સિરીઝના ત્રીજા ચરણના અંતિમ દિવસે વિશ્વની નંબર-1 તીરંદાજ શીતલ દેવીએ વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આ સાથે પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ હરવિંદર સિંહ અને ભાવનાની જોડીએ મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેલડ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત અન્ય ભારતીય તીરંદાજોએ ચાર બ્રોન્ઝ મેડલ પણ દેશના નામે કર્યા હતા.
https://twitter.com/radionews_jammu/status/2097659215024455761
રોમાંચક ફાઈનલ મેચમાં શીતલે જીત્યો ગોલ્ડ મેડલ
પેરા કમ્પાઉન્ડની રોમાંચક ફાઈનલ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન શીતલ દેવીએ કઝાકિસ્તાનની એજાદા સેડાનને શૂટ-ઓફમાં હરાવી દીધી હતી. આ જ કેટેગરીમાં ભારતની સરિતાએ ચીનની વાંગ હુઈટીંગને 141-140ના રોમાંચક મુકાબલામાં હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, શીતલ દેવીએ આ પહેલા તોમન કુમાર સાથે મળીને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
હરવિંદર સિંહ અને ભાવનાની જોડીએ કરી કમાલ
તેમની જોડીએ ઈરાકની સારા અલ હામિદ અને અબ્બાસ કાદિમની જોડીને 157-145ના માર્જિનથી પરાજય આપ્યો હતો. બીજી તરફ, હરવિંદર સિંહ અને ભાવનાની જોડીએ રિકર્વ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરીને ચીનના લિયાંગ કિયુરોંગ અને શિયા લેઈને એકતરફી મુકાબલામાં 6-0થી ધૂળ ચાટતી કરીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. આ ઉપરાંત, રિકર્વ મહિલા પ્લેઓફ રાઉન્ડમાં ભાવનાએ રાજશ્રી રાઠોડને 6-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે કમ્પાઉન્ડ પુરુષ સિંગલ્સ ઇવેન્ટમાં તોમન કુમારે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઈરાકના અબ્બાસ કાદિમ સામે 143-138થી વિજય મેળવીને કાંસ્ય પદક જીત્યો હતો.