મહિલા પ્રીમિયર લીગ (WPL) 2027ની મિની ઓક્શન પહેલાં તમામ 5 ફ્રેન્ચાઇઝીઓ પોતાની ટીમને મજબૂત બનાવવાની તૈયારીમાં છે. 28 ઑક્ટોબરે કોચીમાં યોજાનારી આ હરાજીમાં 146 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા છે, જ્યારે પાંચેય ટીમોમાં મળીને કુલ 27 જગ્યા ખાલી છે. આ જગ્યાઓમાં 20 ભારતીય ખેલાડીઓ અને 7 વિદેશી ખેલાડીઓ માટે સ્થાન ઉપલબ્ધ છે. પરંતુ હરાજીનો સૌથી રસપ્રદ મુદ્દો એ છે કે દરેક ટીમ પાસે સમાન બજેટ નથી. યુપી વોરિયર્સ સૌથી મોટી રકમ સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ પાસે સૌથી ઓછું બજેટ છે. આ તફાવતને કારણે દરેક ટીમની ખરીદીની રણનીતિ અલગ રહેવાની શક્યતા છે.
યુપી વોરિયર્સ પાસે સૌથી મોટો દાવ
યુપી વોરિયર્સ પાસે ₹3.75 કરોડનું સૌથી મોટું બાકી બજેટ છે અને ટીમે 8 ખેલાડીઓની જગ્યા ભરવાની છે. તેમાં 3 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમ માટે વિકેટકીપિંગ, આક્રમક બેટિંગ અને સ્પિન બોલિંગ જેવા વિભાગોમાં યોગ્ય ખેલાડીઓ શોધવા મહત્ત્વપૂર્ણ બની શકે છે. સૌથી વધુ ખાલી જગ્યાઓ હોવાથી યુપી પાસે ટીમનું સંતુલન સુધારવાની તક પણ સૌથી મોટી છે.
મુંબઈ ઇન્ડિયન્સ સામે બજેટનો પડકાર
મુંબઈ ઇન્ડિયન્સ પાસે ₹90 લાખનું સૌથી ઓછું બજેટ છે. ટીમે 6 જગ્યા ભરવાની છે, પરંતુ વિદેશી ખેલાડી માટે કોઈ જગ્યા બાકી નથી. એટલે મુંબઈએ ભારતીય ખેલાડીઓ પર ધ્યાન આપવું પડશે અને મર્યાદિત રકમમાં ઉપયોગી વિકલ્પો પસંદ કરવા પડશે.

ગુજરાત અને દિલ્હી પાસે પસંદગીની તક
ગુજરાત જાયન્ટ્સ પાસે ₹1.25 કરોડ અને માત્ર 3 ખાલી જગ્યાઓ છે. તેથી ટીમ ચોક્કસ જરૂરિયાતો પર ધ્યાન આપી શકે છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પાસે ₹1.15 કરોડમાં 5 ખેલાડીઓ ખરીદવાની તક છે, જેમાં 2 વિદેશી ખેલાડીઓ માટે જગ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટીમ પોતાનું સંતુલન જાળવી રાખવા માગશે. દિલ્હી કેપિટલ્સ પાસે ₹1.10 કરોડ અને 5 ખાલી જગ્યાઓ છે. ટીમને બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડર વિભાગમાં જરૂરી ઊંડાણ ઉમેરવા માટે બજેટનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે.
ક્યારે અને ક્યાં જોઈ શકાશે ઓક્શન?
WPL 2027ની મિની ઓક્શન 28 ઑક્ટોબર, 2026ના રોજ કોચીના ગ્રાન્ડ હયાત ખાતે સાંજે 5:30 વાગ્યે શરૂ થવાની છે. ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ અને ઑનલાઇન જિયો હોટસ્ટાર પર તેનું પ્રસારણ થવાનું છે. આગામી સિઝન 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી, 2027 દરમિયાન રમાવાની છે. હવે જોવાનું એ રહેશે કે યુપી વોરિયર્સ પોતાના મોટા બજેટનો કેટલો અસરકારક ઉપયોગ કરે છે અને મર્યાદિત રકમ ધરાવતી મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમો કયા ખેલાડીઓ પસંદ કરીને પોતાની ટીમ મજબૂત બનાવે છે.
આ પણ વાંચો: Playing XI: નિર્ણાયક ટેસ્ટ પહેલાં દક્ષિણ આફ્રિકાનો મોટો નિર્ણય! નોર્ખિયા બહાર, કોએત્ઝીની વાપસી