ભારતીય ક્રિકેટમાં આગામી વનડે વર્લ્ડ કપને લઈને અત્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રૈનાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો આ બંને અનુભવી ખેલાડીઓ 2027ના વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બનશે, તો ભારત પાસે ટ્રોફી જીતવાની સારી તક રહેશે. એક કાર્યક્રમ દરમિયાન બંને ખેલાડીઓનું સમર્થન કર્યું હતું. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું, “તમે અત્યારે લખીને રાખી લો, રોહિત અને વિરાટ જ ભારતને વર્લ્ડ કપ અપાવશે.” રૈનાના આ નિવેદનથી ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે આગામી વર્લ્ડ કપમાં આ બંને દિગ્ગજ ખેલાડીઓની ભૂમિકા કેટલી મહત્ત્વપૂર્ણ બની શકે છે.
અનુભવ અને મોટા મુકાબલાનો દબાણ સંભાળવાની ક્ષમતા મહત્ત્વપૂર્ણ
રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમયથી ભારતીય ક્રિકેટના મુખ્ય ખેલાડીઓ રહ્યા છે. બંનેએ અનેક આંતરરાષ્ટ્રીય મુકાબલાઓમાં ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મોટા ટુર્નામેન્ટમાં રમવાનો અનુભવ, દબાણની પરિસ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા અને મહત્વની ઇનિંગ્સ રમવાની કુશળતા તેમને ખાસ બનાવે છે. રૈનાના નિવેદનનો મુખ્ય આધાર પણ આ અનુભવ અને બંને ખેલાડીઓની ક્ષમતા છે. જોકે, વર્લ્ડ કપ જીત માત્ર બે ખેલાડીઓના પ્રદર્શન પર આધારિત હોતી નથી. ટીમનું સંતુલન, અન્ય બેટરોનું યોગદાન, બોલિંગ આક્રમણ અને ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓનું ફોર્મ પણ પરિણામમાં મોટી ભૂમિકા ભજવે છે.
