જો રૂટની શાનદાર કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમે પાકિસ્તાનને ઘરઆંગણે કારમી હાર આપી છે. ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનના 3-0થી સૂપડા સાફકરી દીધા હતા. બર્મિંગહામ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 8 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચમાં જો રૂટે માત્ર 69 બોલમાં અણનમ 62 રન બનાવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. રૂટે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 69મી અડધી સદી પૂરી કરીને મહાન બેટ્સમેન સચિન તેંડુલકના 68 અડધી સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.
WTCમાં સૌથી સફળ કેપ્ટન
આ ઐતિહાસિક અડધી સદી સિવાય જો રૂટે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં પણ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. WTC માં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતનારા કેપ્ટનોની યાદીમાં રૂટ હવે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. તેણે અત્યાર સુધી કેપ્ટન તરીકે 36 WTC મેચોમાંથી 15 માં વિજય મેળવ્યો છે, જ્યારે 14 માં હાર અને 7 મેચ ડ્રો રહી છે.આ મામલે રૂટે ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. કોહલીએ WTC માં 22 મેચોમાં કપ્તાની કરીને 14 મેચ જીતી હતી. આ યાદીમાં રોહિત શર્મા પણ સામેલ છે, જેમણે 24 મેચોમાંથી 12 માં જીત મેળવી છે.
વિરાટ કોહલીને પાછળ છોડી દીધો
35 વર્ષીય જો રૂટે આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કેપ્ટન તરીકે કોહલીએ 22 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 14માં જીત, 7માં હાર અને એક મેચ ડ્રો રહી હતી. ટોચના પાંચ ખેલાડીઓમાં અન્ય એક ભારતીયનો પણ સમાવેશ થાય છે. રોહિત શર્માએ 24 ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાં 12 જીત, 9 હાર અને ત્રણ મેચ ડ્રો રહી હતી. રોહિત અને કોહલી બંનેએ ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લીધી હતી. T20માંથી નિવૃત્ત થયા બાદ તેઓ હાલ ભારત માટે માત્ર વન-ડે માં સક્રિય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કપ્તાન તરીકે સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સના નામે છે, તેણે 40 માંથી 25 મેચો જીતી છે. બીજા ક્રમે ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ છે, જેમણે 40 મેચોમાં કપ્તાની કરીને 21 માં વિજય મેળવ્યો હતો.
સ્ટુઅર્ટ બ્રોડનો પણ તોડ્યો રેકોર્ડ
અત્રે નોંધનીય છે કે, કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનારા ખેલાડીઓની ઓવરઓલ યાદીમાં જો રૂટ હાલ 7મા સ્થાને છે. તેણે કેપ્ટનશીપ કરી હોય તેવી 68 ટેસ્ટ મેચોમાંથી 30 માં વિજય મેળવ્યો છે. આ ઉપરાંત, એક ખેલાડી તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનારા ક્રિકેટરોની યાદીમાં પણ તે 8મા નંબરે પહોંચી ગયો છે. તેણે રમેલી 168 ટેસ્ટ મેચોમાંથી 77 મેચોમાં ટીમ વિજેતા બની છે. આ સિદ્ધિ સાથે જ તેમણે ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ (167 ટેસ્ટમાં 76 જીત)નો રેકોર્ડ તોડી નાખ્યો છે.