અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીત માત્ર ટ્રોફી જીતવા પૂરતી નહોતી, પરંતુ ભારતીય ખેલાડીઓ માટે ગ્રુપ સ્ટેજમાં મળેલી હારનો બદલો લેવાની પણ તક હતી. ફાઇનલમાં જીત મેળવ્યા બાદ ભારતીય ખેલાડીઓએ મેદાન પર જે રીતે ઉજવણી કરી હતી, તેની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે ભારતીય ખેલાડી યશવીર ગૌડે આ આક્રમક ઉજવણી પાછળનું કારણ જાહેર કર્યું છે. તેણે જણાવ્યું કે દિવાળીના દિવસે પાકિસ્તાની ખેલાડીઓ સાથે થયેલી બોલાચાલી અને ગાળાગાળીનો જવાબ તેઓ ફાઇનલમાં જીત મેળવીને આપવા માગતા હતા.

દિવાળીના દિવસે પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું

ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવાળી એટલે કે 8 નવેમ્બરે ગ્રુપ સ્ટેજમાં મુકાબલો રમાયો હતો. આ મેચમાં પાકિસ્તાને ભારતીય ટીમને 3 વિકેટથી હરાવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં અર્જુન રાજપૂતની સદીની મદદથી 208 રન બનાવ્યા હતા. જોકે, પાકિસ્તાન તરફથી હમઝા જરુરે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.આ મુકાબલા દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે મેદાન પર બોલાચાલી થઈ હતી. એટલું જ નહીં, ખેલાડીઓએ એકબીજા સામે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. જોકે, મેચમાં હાર મળવાને કારણે ભારતીય ખેલાડીઓ તે સમયે મેદાન પર કોઈ જવાબ આપી શક્યા નહોતા. આ જ કારણ હતું કે ભારતીય ટીમ ફાઇનલમાં પાકિસ્તાન સામે ફરી રમવા અને જીત મેળવવા આતુર હતી.

અમે ફાઇનલની રાહ જોઈ રહ્યા હતા'

યશવીર ગૌડે ફાઇનલમાં જીત મેળવવા પાછળની ભાવના વિશે ખુલાસો કર્યો હતો.તેણે કહ્યું હતું કે, અમે દિવાળીના દિવસે મેચ હારી ગયા હતા. અમારી વચ્ચે કેટલીક બોલાચાલી થઈ હતી, જેમાં ગાળાગાળી પણ સામેલ હતી. તે મેચ હાર્યા બાદ અમે કંઈ કહી શક્યા નહોતા. અમે ફાઇનલની રાહ જોઈ રહ્યા હતા. અમે સારું પ્રદર્શન કરવા માગતા હતા અને બતાવવા માગતા હતા કે ભારત શું કરી શકે છે.યશવીરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ખેલાડીઓ માટે ફાઇનલનો મુકાબલો કેટલો ખાસ હતો. તેઓ માત્ર એશિયા કપની ટ્રોફી જીતવા જ નહીં, પરંતુ ગ્રુપ સ્ટેજમાં થયેલા વિવાદનો જવાબ પણ મેદાન પર આપવા માગતા હતા.

પાકિસ્તાની ખેલાડીઓ જે કરતા હતા, અમે પણ એ જ કર્યું

ફાઇનલમાં જીત બાદ ભારતીય ખેલાડીઓની આક્રમક ઉજવણી અંગે પણ યશવીર ગૌડે પોતાની વાત રજૂ કરી હતી. તેના જણાવ્યા પ્રમાણે, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ અગાઉ જે રીતે વર્તન કર્યું હતું, તેવી જ પ્રતિક્રિયા આપી હતી.યશવીરે કહ્યું હતું કે, અમે પણ એ જ કરી રહ્યા હતા, જે તેમણે કર્યું હતું. તેઓ શાંત હતા અને અમે પણ શાંત હતા. અમે ભારતીય જર્સી પહેરી હતી. અમે આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. દરેક ખેલાડી ભાવુક હતો.આ નિવેદનથી ભારતીય ખેલાડીઓની ઉજવણી પાછળની લાગણી અને ફાઇનલ જીતવા માટેનો ઉત્સાહ સામે આવ્યો છે.

મોહિત ઉલ્વાએ છેલ્લી બોલે અપાવી જીત

14 નવેમ્બરે રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 9 વિકેટે 337 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 338 રનનો મોટો લક્ષ્યાંક મળ્યો હતો.જોકે, લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમ 252 રનના સ્કોર પર 8 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અહીંથી મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ નવમી વિકેટ માટે 57 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. મનલ ચૌહાણે 47 રન બનાવ્યા હતા, જ્યારે મોહિત ઉલ્વાએ માત્ર 26 બોલમાં અણનમ 49 રનની તોફાની ઇનિંગ રમી હતી.મુકાબલાની છેલ્લી બોલે ભારતને જીતવા માટે 3 રનની જરૂર હતી. મોહિતે ચોગ્ગો ફટકારીને ભારતને એક વિકેટથી યાદગાર જીત અપાવી હતી. આ સાથે જ ભારતે 2021 બાદ પ્રથમ વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.

કાવ્ય પટેલનું પણ મોટું સપનું

આ ટૂર્નામેન્ટમાં 8 વિકેટ ઝડપનાર કાવ્ય પટેલે પણ ભારતીય સિનિયર ટીમ માટે રમવાનું સપનું વ્યક્ત કર્યું છે. તેના મતે આ લક્ષ્ય મેળવવા માટે ધીરજ રાખવી અને દરેક મેચમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જરૂરી છે.કાવ્યે જણાવ્યું કે મોટા લક્ષ્ય પાછળ દોડવાને બદલે રમતની પ્રક્રિયા પર ધ્યાન આપવું જોઈએ અને મળતી દરેક તકનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ.

આ પણ વાંચો - Mohammad Yousuf : ભારતીય ટીમની ઉજવણી પર પાકિસ્તાનમાં વિવાદ, મોહમ્મદ યુસુફે ઉઠાવ્યા સવાલ!