T20 ક્રિકેટમાં પોતાના બેટથી બોલરોમાં ડરનો માહોલ ઉભો કરનારા ભારતના યુવા ધુરંધરોને હવે 50 ઓવરની રમતમાં પણ તક મળવી જોઈએ, તેવી માંગ જોર પકડી રહી છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર અને બે વખત વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રહેલા યુવરાજ સિંહે હવે પસંદગીકારોની રણનીતિ સામે મોટો સવાલ ઊભો કર્યો છે. યુવરાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશન જેવા અત્યંત પ્રતિભાશાળી ખેલાડીઓને વનડે ટીમમાંથી બહાર રાખવા તે તેમના ટેલેન્ટ સાથે અન્યાય કરવા સમાન છે.

યુવરાજે કયા ખેલાડીઓ માટે કરી મજબૂત વકીલાત?

યુવરાજ સિંહનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં યુવા બ્રિગેડના જબરદસ્ત ફોર્મની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, "હું અંગત રીતે અભિષેક શર્માને 50 ઓવરના ફોર્મેટમાં રમતો જોવા માંગુ છું. આ ઉપરાંત ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓ પાસે પણ મેચ વિનિંગ ક્ષમતા છે, તેથી તેમને પણ વનડે ટીમમાં નિયમિત તક મળવી જ જોઈએ." યુવીનું માનવું છે કે જો આટલી સ્ફોટક બેટિંગ કરતા ખેલાડીઓને વનડે સ્ક્વોડમાં સામેલ ન કરવામાં આવે તો તેમની સાચી ક્ષમતાનો પૂરો ઉપયોગ થઈ શકશે નહીં.

અભિષેકની 38 બોલમાં સદી અને યુવીનો '12 બોલ'નો પડકાર

ઉલ્લેખનીય છે કે,ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં અભિષેક શર્માએ આતંક મચાવતા માત્ર 38 બોલમાં 113 રનની ઐતિહાસિક અને તોફાની ઇનિંગ રમી હતી.આ મેચમાં તેણે પોતાની અડધી સદી માત્ર 14 બોલમાં પૂરી કરી હતી. આ વિસ્ફોટક પ્રદર્શન બાદ યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોતાના શિષ્યને મજાકમાં એક મોટો પડકાર ફેંક્યો હતો. યુવરાજે તેને કહ્યું હતું કે,હવે તારે 12 બોલમાં અડધી સદી ફટકારીને બતાવવી પડશે.જોકે, અભિષેકે નમ્રતાપૂર્વક આ પડકારનો અસ્વીકાર કરતા કહ્યું હતું કે,ગુરુજી તમે એ જમાનામાં કયા પ્રકારની ક્રિકેટ રમતા હતા તે મને ખબર નથી, પરંતુ 12 બોલમાં ફિફ્ટી મારવી કોઈના માટે પણ આસાન નથી.

શું સિનિયર ખેલાડીઓના કારણે યુવાનોને નથી મળતી તક?

યુવરાજ સિંહ પણ એ વાસ્તવિકતા સારી રીતે જાણે છે કે હાલની ભારતીય ટીમમાં સિનિયર અને અનુભવી ખેલાડીઓની ભરમાર છે, જેના કારણે કોઈપણ નવા યુવા ખેલાડી માટે પ્લેઇંગ ઇલેવનમાં સીધી એન્ટ્રી મારવી અત્યંત કપરી છે. આમ છતાં, યુવરાજને પૂરી આશા છે કે આ યુવા ત્રિપુટીના સતત સારા પ્રદર્શનને પસંદગીકારો લાંબો સમય સુધી નજરઅંદાજ કરી શકશે નહીં.

આ પણ વાંચો - Team India : છેલ્લી T20માં મળશે તક? કુલદીપ-વરુણને લઈને કોચે આપ્યું મોટું અપડેટ