સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. એક અનામી ફોન કોલ દ્વારા કોર્ટ સંકુલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાવચેતીના પગરૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું. આજે દિવસ દરમિયાન વકીલો અને અરજદારો માટે કોર્ટમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે કાયદાકીય કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.

ભયના ઓથાર હેઠળ સુરત કોર્ટ


ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. કોર્ટના દરેક રૂમ, લોબી, પાર્કિંગ અને પરિસરના ખૂણેખૂણામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ધમકી પાછળ કોઈ અસામાજિક તત્વનો હાથ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારે ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે અને હાલ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.