દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ, 23 એજન્ટ સહિત કુલ 42 લોકોની ધરપકડ રાજધાની દિલ્હીમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ થયો છે, જે બાદ પોલીસે 23 એજન્ટો સહિત કુલ 42 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં 13 બાંગ્લાદેશ, 4 મ્યાનમાર, 3 નેપાળ અને 1 અફઘાનિસ્તાનનો છે. તમામ લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. આરોપીઓએ ભારતીય દસ્તાવેજોનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસનું આયોજન કર્યું હતું.
નકલી પાસપોર્ટનો પર્દાફાશ
દેશની રાજધાની દિલ્હીમાં પોલીસે આંતરરાષ્ટ્રીય નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 42 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં 13 બાંગ્લાદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (IGI) ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોમાંથી 23 એજન્ટ તરીકે કામ કરતા હતા, જ્યારે અન્ય મુસાફરો તરીકે મુસાફરી કરી રહ્યા હતા. રંગનાનીએ જણાવ્યું હતું કે, આ રેકેટમાં મોટાભાગે પડોશી દેશોના વિદેશી નાગરિકો સામેલ હોય છે, તેઓ ભારતમાં પ્રવેશવા માટે ભારતની સરહદની સમસ્યાઓનો ફાયદો ઉઠાવે છે અને બનાવટી દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ મેળવે છે.
પોલીસે ઉંડાણપૂર્વક હાથધરી તપાસ
ધરપકડ કરાયેલા વિદેશી નાગરિકોમાં 13 બાંગ્લાદેશ, 4 મ્યાનમાર, 3 નેપાળ અને 1 અફઘાનિસ્તાનનો છે. તમામે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને ભારતીય દસ્તાવેજોનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસનું આયોજન કર્યું હતું. અન્ય ધરપકડ કરાયેલા લોકોમાં પશ્ચિમ બંગાળના 9, દિલ્હીના 4, મહારાષ્ટ્રના 3 અને ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, ઓડિશા અને રાજસ્થાનમાંથી 1-1નો સમાવેશ થાય છે. તપાસમાં બાંગ્લાદેશી નાગરિકો માટે બનાવટી દસ્તાવેજો બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો, જેમાં ચાર એજન્ટોની ધરપકડ કરવામાં આવી હતી અને 21 નકલી પાસપોર્ટ રિકવર કરવામાં આવ્યા હતા. જુલાઈમાં, અન્ય એક બાંગ્લાદેશી નાગરિક નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને કુવૈત જવા માટે પકડાયો હતો. આ કેસમાં મહારાષ્ટ્રના એક એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ રેકેટનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
કેવી રીતે બનાવટી પાસપોર્ટ બનાવતા હતા
ડીસીપીએ કહ્યું, 'સૌથી પહેલા આ રેકેટ વિદેશી નાગરિકો માટે જન્મ પ્રમાણપત્ર જેવા નકલી ભારતીય દસ્તાવેજો બનાવતું હતું, આ દસ્તાવેજોનો ઉપયોગ અન્ય નકલી દસ્તાવેજો બનાવવા માટે કરવામાં આવતો હતો જેમાંથી ભારતીય પાસપોર્ટ બનાવવામાં આવતા હતા. આ પ્રક્રિયા પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા ઘણા રાજ્યોમાં ફેલાયેલા નેટવર્ક દ્વારા હાથ ધરવામાં આવી હતી. માર્ચમાં, એક બાંગ્લાદેશી નાગરિક યુએઈથી પરત ફરતી વખતે નકલી ભારતીય પાસપોર્ટ સાથે પકડાયો હતો.