અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. રખિયાલ પોલીસને ગત રાત્રે એક ચોક્કસ બાતમી મળી હતી કે, મોમીન મસ્જિદ નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં નશાનો વેપાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે એક મકાન પર રેડ કરી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે રહેણાંક મકાનમાંથી જંગી માત્રામાં કેમિકલ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
92.5 ગ્રામ MD ડ્રગ્સ અને વજન કાંટા જપ્ત
પોલીસે પાડેલા દરોડા દરમિયાન મકાનમાંથી 92.5 ગ્રામ કિંમતી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ સાથે જ પોલીસે ઘટના સ્થળેથી ડ્રગ્સની પડીકીઓ બનાવવા માટે વપરાતા 2 નાના વજન કાંટા અને આરોપીના 2 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી મોઇનુદ્દીન શેખની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે અને ડ્રગ્સનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.
અબ્દુલ આરીફ અન્સારી પાસેથી લાવતો હતો ડ્રગ્સનો જથ્થો
ધરપકડ કરાયેલા આરોપી મોઇનુદ્દીન શેખની પોલીસે જ્યારે કડક પૂછપરછ શરૂ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા હતા. આરોપીએ કબૂલાત કરી હતી કે, તે આ MD ડ્રગ્સનો જથ્થો અબ્દુલ મારીફ અન્સારી નામના શખ્સ પાસેથી લાવતો હતો. અબ્દુલ પાસેથી જથ્થાબંધ માલ લાવ્યા બાદ મોઇનુદ્દીન આ ડ્રગ્સને નાના-નાના પેકેટોમાં ભરીને છૂટક ગ્રાહકોને ઊંચા ભાવે વેચતો હતો.
વધુ પૈસા કમાવવાની લાલચે 2 મહિનાથી કરતો હતો વેચાણ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મોઇનુદ્દીન શેખ છેલ્લા 2 મહિનાથી રખિયાલ વિસ્તારમાં સક્રિય હતો અને ગુપ્ત રીતે MD ડ્રગ્સનું વેચાણ કરતો હતો. ટૂંકા સમયમાં વધુ પૈસા કમાઈ લેવાની અને રાતોરાત અમીર બનવાની લાલચમાં તે આ કાળા કારોબારમાં ધકેલાયો હતો. હાલમાં રખિયાલ પોલીસે ગુનો નોંધીને ડ્રગ્સ સપ્લાય કરનાર અબ્દુલ મારીફ અન્સારીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Video: Ahmedabadના ગત્રાડ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 10 લોકોના મોત