આણંદ જિલ્લાના વલાસણ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ પોતાના પાંચ વર્ષના માસૂમ પુત્ર સાથે કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી લીધું છે. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને કેનાલ કિનારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા
સ્થાનિક લોકો દ્વારા આ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતા આણંદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો અને સ્થાનિક તરવૈયાઓએ કેનાલના પાણીમાં ભારે શોધખોળ આદરી હતી. કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે આશરે 30 વર્ષની મહિલા અને તેના 5 વર્ષના બાળકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.


