બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં માદક પદાર્થોની તસ્કરીના ચર્ચિત કેસમાં પાલનપુરની સ્પેશિયલ કોર્ટે એક મહત્વપૂર્ણ અને આકરો ચુકાદો આપ્યો છે. વર્ષ 2023માં હરિયાણાના કુરુક્ષેત્રથી 36 કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો લઈને નીકળેલા દંપતી સામે કાનૂની શિકંજો કસાયો હતો. પાલનપુર SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાણોદર નજીકથી આ દંપતીને નશાકારક પદાર્થ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
સિદ્ધપુર પહોંચાડાય તે પહેલાં SOGની રેડ
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ દંપતી હરિયાણાથી મોટો જથ્થો લાવીને પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ગાંજાની ડિલિવરી આપવાની ફિરાકમાં હતું. જોકે, આરોપીઓ સિદ્ધપુર પહોંચે તે પહેલા જ એસઓજી ટીમે કાણોદર પાસે વોચ ગોઠવીને તેમને આંતરી લીધા હતા. આ મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.

