રાજસ્થાનના ડીગ જિલ્લામાંથી અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સવારે ઘર નજીક ખાલી પ્લોટમાંથી 13 વર્ષીય જોડિયા ભાઈઓના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યા હતા. બંને ભાઈઓ સવારે ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી પરત ન ફરતાં પરિવારે શોધખોળ આદરી હતી. શોધખોળ દરમિયાન ઘર નજીક આવેલા ખાલી પ્લોટમાંથી બંને ભાઈઓના મૃતદેહ મળ્યા હતા.

બંને જોડિયા ભાઈઓ અચાનક ઘરેથી બહાર નીકળ્યા

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક બાળકોની ઓળખ 13 વર્ષીય વિનય ચૌધરી અને વિષ્ણુ ચૌધરી તરીકે થઈ છે. મંગળવારે સવારે આ બંને જોડિયા ભાઈઓ અચાનક ઘરેથી બહાર નીકળ્યા હતા. જોકે, ઘણો સમય વીતી જવા છતાં બંને કિશોરો પરત ન આવતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેમની સઘન શોધખોળ શરૂ કરી હતી. 

લોહીથી લથબથ મૃતદેહ મળી આવ્યા

આ શોધખોળ દરમિયાન ઘર નજીક આવેલા એક ખાલી પ્લોટમાંથી બંને ભાઈઓના લોહીથી લથબથ મૃતદેહ મળી આવ્યા હતા. બંને બાળકોના ગળા તીક્ષ્ણ રીતે કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત બંનેના શરીર પર વિવિધ જગ્યાએ કટના નિશાન અને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ હતી તેમજ ઘટનાસ્થળે લોહી પણ પડ્યું હતું.

શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો

આ ઘટના અંગે ડીગ પોલીસે જણાવ્યું હતું કે, પૂછપરછ માટે હાલ એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને હત્યાના ચોક્કસ કારણો જાણવા તપાસ ચાલી રહી છે. આ હત્યા કયા સંજોગોમાં થઈ તેની સંપૂર્ણ વિગતો મેળવવા માટે પોલીસની ટીમ આગળની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતક બાળકોના પિતા નિરંજન સિંહનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું હતું. પિતાના નિધન બાદ બંને જોડિયા ભાઈઓ પોતાની માતા પ્રીતિ સાથે નાના ઘનશ્યામ ચૌધરીના ઘરે રહેતા હતા. આ જોડિયા ભાઈઓ ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા, જેમાં તેમની મોટી બહેન 18 વર્ષની અને એક ભાઈ 15 વર્ષનો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચો   :  Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..