મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબારના મામલે પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. હુમલાખોરોના નિશાન પર અસલમાં ટાઈગર શ્રોફ નહોતા, પરંતુ તેઓ અન્ય કોઈ મોટી હસ્તીને મારવા આવ્યા હતા. જોકે, નિર્ધારિત ટાર્ગેટ ન મળતાં અને બોલિવૂડમાં દહેશત ફેલાવવાના ઈરાદે તેમણે સુરક્ષા વગર ફરતા ટાઈગર શ્રોફ પર ગોળીબાર કર્યો હતો.
કોઈ અન્ય અગ્રણી વ્યક્તિને નિશાન બનાવવા આવ્યા
પોલીસ સૂત્રો અનુસાર, પકડાયેલા આરોપીઓની પ્રારંભિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે તેઓ મુંબઈમાં કોઈ અન્ય અગ્રણી વ્યક્તિને નિશાન બનાવવા આવ્યા હતા. પરંતુ અસલી લક્ષ્ય સુધી પહોંચવું મુશ્કેલ જણાતાં તેમણે ટાઈગર શ્રોફ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
રીલ્સ પરથી જાણવા મળ્યું કે અભિનેતા સાથે પોલીસ સુરક્ષા હોતી નથી
હુમલાખોરોને પ્રશંસકો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી રીલ્સ પરથી જાણવા મળ્યું કે અભિનેતા સાથે સામાન્ય રીતે પોલીસ સુરક્ષા હોતી નથી, જેથી તેને નિશાન બનાવવો સરળ બન્યો હતો. આરોપીઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ચાહકોની પોસ્ટ દ્વારા હિલચાલ પર સતત નજર રાખી સમગ્ર વિસ્તારની રેકી કરી હતી. 18 ઓક્ટોબરે રવિવારે સાંજે જુહુના પુષ્પા નર્સી પાર્ક નજીક બાઇક પર સવાર ત્રણ હુમલાખોરોએ આ હુમલો કર્યો હતો.
ટાઈગર શ્રોફ આબાદ બચી ગયા
ગોળીબારની સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફના પુત્ર 36 વર્ષીય ટાઈગર શ્રોફ આબાદ બચી ગયા, પરંતુ તેમના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. હુમલાખોરોને ઝડપવા પોલીસની 15 ટીમો બનાવાઈ છે અને સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલી રહી છે. કથિત ષડયંત્ર અને હથિયારોના સ્રોતની તપાસમાં અનિલ પંડિતનું નામ પણ સામે આવ્યું છે. તપાસકર્તાઓ કથિત ધમકીભરી ઓડિયો ક્લિપ તેમજ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેના સંભવિત સંબંધોની તપાસ કરી રહ્યા છે, જોકે આ દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મામલામાં વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો : Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..