બેંગલુરુના ઇલેક્ટ્રોનિક સિટી વિસ્તારમાં પતિની હત્યાના ચકચારી કેસમાં પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, બંનેએ કથિત રીતે પતિનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેને કુદરતી મોત દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શંકાસ્પદ બાબતો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.

શરૂઆતમાં અકુદરતી મોતનો ગુનો નોંધાયો

પોલીસ કમિશનર કચેરી દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, 12 ઓક્ટોબર 2026ના રોજ ડોડ્ડાથોગુરુ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી કે તેનો મોટો ભાઈ બાથરૂમમાં જતી વખતે લપસી પડ્યો હતો અને ત્યારબાદ હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું હતું. આ ફરિયાદના આધારે ઇલેક્ટ્રોનિક સિટી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પોલીસને શંકા

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ પોલીસને મૃત્યુનાં કારણો અંગે શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન મૃતકની પત્ની અને અન્ય એક વ્યક્તિ વચ્ચે પ્રેમસંબંધ હોવાની માહિતી મળી હતી.

મૃતકની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની કબૂલાત

5 નવેમ્બર 2026ના રોજ પોલીસે એક વ્યક્તિને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે મૃતકની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની કબૂલાત કરી હતી. મૃતકને આ સંબંધની જાણ થઈ ગઈ હતી અને તેણે બંનેને ચેતવણી પણ આપી હતી.

હત્યા કરીને કુદરતી મોતનું નાટક રચ્યાનો આરોપ

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના વિરોધને બંનેએ અડચણ માની તેને દૂર કરવાની કથિત યોજના બનાવી હતી. આરોપ છે કે 12 ઓક્ટોબરની સવારે બંનેએ મળીને પહેલાં તેનું ગળું દબાવ્યું અને ત્યારબાદ નાક-મોં દબાવી શ્વાસ રૂંધી તેની હત્યા કરી હતી.

હાર્ટ એટેકથી તેનું મોત થયું હોવાનું જણાવ્યું

હત્યા બાદ પરિવારજનોને મૃતક બાથરૂમમાં લપસી પડ્યો હતો અને હાર્ટ એટેકથી તેનું મોત થયું હોવાનું જણાવી ઘટનાને સામાન્ય મૃત્યુ દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો.

પત્ની અને પ્રેમી 7 દિવસની પોલીસ કસ્ટડીમાં

6 નવેમ્બરે પોલીસે ડોડ્ડાથોગુરુ સ્થિત મૃતકના ઘરેથી તેની પત્નીને કસ્ટડીમાં લીધી હતી. પૂછપરછ દરમિયાન તેણે પણ ગુનામાં સામેલ હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારબાદ અકુદરતી મૃત્યુના કેસને હત્યાના કેસમાં ફેરવવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ શરુ

બંને આરોપીઓને 6 નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. પોલીસ હવે હત્યા પાછળનાં કારણો અને અન્ય પાસાંઓ અંગે વધુ તપાસ કરી રહી છે. 


આ પણ વાંચો :    Accident : ગળામાં ફસાયો ફુગ્ગો, 13 વર્ષની બાળકીનું મોત; દિવાળીની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ