બેંગલુરુના કોડિગેહલ્લી વિસ્તારમાં ચારિત્ર્ય પર વહેમ રાખીને 25 વર્ષીય યુવકે પોતાની 34 વર્ષીય પત્નીની ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ ચકચારી હત્યા બાદ આરોપીએ મૃતદેહને કોથળામાં ભરી બગીચાના કચરાના ઢગલા નીચે છુપાવી દીધો હતો. બે મહિનાથી વધુ સમય સુધી છુપાયેલા આ ગુનાનો ભેદ એક રખડતા શ્વાનના લીધે ખૂલી ગયો છે.
મૃતક મહિલાની ઓળખ 34 વર્ષીય સુજાતા તરીકે થઈ
બેંગલુરુના કોડિગેહલ્લી વિસ્તારમાં આવેલા ગુંડાંજનેય મંદિર પાર્કમાં આ સનસનાટીભરી ઘટના બની હતી, જ્યાં મૃતક મહિલાની ઓળખ 34 વર્ષીય સુજાતા તરીકે થઈ છે અને ધરપકડ કરાયેલા આરોપી પતિનું નામ ફયાઝ પાશા ઉર્ફે કાલૂ છે, જે મૂળ ચિક્કાબલ્લાપુરનો રહેવાસી છે.
સ્થાનિક લોકોએ અચાનક એક માનવ ખોપરી જોઈ
પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા આશરે બે મહિના અગાઉ કરવામાં આવી હતી. 6 નવેમ્બરની સવારે પાર્કમાં ફરવા આવેલા સ્થાનિક લોકોએ અચાનક એક માનવ ખોપરી જોઈ હતી, જેને રખડતો શ્વાન કચરામાંથી ખેંચીને બહાર લઈ આવ્યો હતો.
લોકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી
આ ભયાનક દ્રશ્ય જોઈને લોકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી કોડિગેહલ્લી પોલીસે આસપાસના વિસ્તારમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતાં, ખોપરી મળી તે સ્થળથી આશરે 30 મીટર દૂર કચરાના ઢગલામાં છુપાવેલો એક કોથળો મળી આવ્યો હતો.
કોથળામાંથી મહિલાનો કંકાલ મળ્યો
આ કોથળાને ખોલીને જોતાં તેમાંથી મહિલાનો સંપૂર્ણ કંકાલ મળી આવ્યો હતો. સૌથી મહત્વની બાબત એ રહી કે કંકાલ પાસેથી પોલીસને એક નાનું પાઉચ મળ્યું હતું, જેમાં સુજાતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ સુરક્ષિત રાખેલાં હતાં. આ સત્તાવાર દસ્તાવેજોના આધારે પોલીસે મૃતકની ઓળખ સ્પષ્ટ કરી વધુ તપાસ આગળ ધપાવી હતી.
સુજાતાના પહેલા પતિનું પાંચ વર્ષ પહેલાં અવસાન
પોલીસ તપાસમાં સામે આવ્યું કે જક્કુર લેઆઉટમાં રહેતી સુજાતાના પહેલા પતિનું આશરે પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદ તેણે પોતાના પાંચ બાળકોને પોતાની બહેનના ઘરે મૂકી દીધા હતા અને પોતે ગુજરાન ચલાવવા માટે કચરો વીણવાનું કામ કરતી હતી. આ દરમિયાન તેની મુલાકાત કચરો વીણવાની સાથે મજૂરીકામ કરતા અને પોતાના કરતાં 9 વર્ષ નાના ફયાઝ પાશા સાથે થઈ હતી.
બંનેએ આશરે પાંચ મહિના પહેલાં લગ્ન કર્યા
બંનેએ આશરે પાંચ મહિના પહેલાં લગ્ન કર્યા હતા. જોકે લગ્નના થોડા સમય બાદ જ પાશા સુજાતાના ચારિત્ર્ય પર ગંભીર શંકા કરવા લાગ્યો હતો, જેને લીધે બંને વચ્ચે સતત ઝઘડા થતા હતા. આ અણબનાવના કારણે પાશા અગાઉ તેને છોડીને જતો રહ્યો હતો, પરંતુ સુજાતાના મનાવવાથી તે પાછો ફર્યો હતો.
બંને બગીચાઓ અને બસ સ્ટેન્ડ પર રાત વિતાવતા
રહેવાનું કોઈ કાયમી સરનામું ન હોવાથી બંને બગીચાઓ અને બસ સ્ટેન્ડ પર રાત વિતાવતા હતા. પોલીસ પૂછપરછમાં પાશાએ ગુનો કબૂલતાં જણાવ્યું કે બે મહિના પહેલાં રાત્રે પાર્કમાં બંનેએ સાથે દારૂ પીધો હતો, જ્યાં ફરી ઝઘડો થતાં તેણે ગુસ્સામાં છરીથી સુજાતાનું ગળું કાપી હત્યા કરી લાશ કોથળામાં ભરી કચરા નીચે દાટી દીધી હતી. પોલીસે 18 નવેમ્બરે તેને યેલહંકાના રૈતારા સંથે વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : Sugar Prices : ખાંડના ભાવમાં ભડકો, અનેક શહેરોમાં કિલોનો ભાવ રૂ. 70 સુધી પહોંચ્યો, સરકારનાં પગલાં છતાં ગ્રાહકોને રાહત નહીં