ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા, મળવા માટેનું આમંત્રણ અને ત્યારબાદ કારમાં કથિત યૌન હિંસાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ઇન્દોરની 20 વર્ષીય યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ મિત્ર સહિત 6 યુવકો સામે ગંભીર આરોપ લગાવતાં ચકચાર મચી છે. યુવતીના આક્ષેપ મુજબ, તેને નશીલો પદાર્થ પીવડાવી કારમાં માર મારવામાં આવ્યો અને યૌન હિંસા આચરવામાં આવી હતી. જોકે, પોલીસે હાલ 2 આરોપીઓ સામે જ ફરિયાદ નોંધી છે. આરોપીઓ ફરાર હોવાનું અને તેમની શોધખોળ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.
ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા, મળવા ઉજ્જૈન બોલાવી
યુવતીના જણાવ્યા મુજબ, થોડા મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે ઉજ્જૈનના ચક્રેશ સાથે તેની મિત્રતા થઈ હતી. બંને અગાઉ પણ એક-બે વખત મળી ચૂક્યા હતા. સોમવારે ચક્રેશે યુવતીને મળવા માટે ઉજ્જૈન બોલાવી હતી. યુવતી બસમાં બેસીને ઉજ્જૈન પહોંચી હતી. ત્યાં મેઘદૂત હોટલ નજીક ચક્રેશ અને તેનો એક સાથી કાર લઈને મળવા આવ્યા હતા.
કોફીમાં નશીલો પદાર્થ ભેળવ્યાનો આરોપ
યુવતીની ફરિયાદ પ્રમાણે, ચક્રેશે તેને કોફીમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવ્યો હતો. ત્યારબાદ તેને ચક્કર આવવા લાગ્યાં હતાં. આ દરમિયાન ચક્રેશનો એક મિત્ર પણ કારમાં આવ્યો હતો. બંને તેને કારમાં ફેરવતા રહ્યા હતા. થોડા સમય પછી ચક્રેશના અન્ય 4 મિત્રો પણ કારમાં સવાર થયા હતા.
ચાલતી કારમાં યૌન હિંસા અને મારપીટનો આરોપ
યુવતીએ આરોપ લગાવ્યો છે કે કારમાં તેની સાથે યૌન હિંસા કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેના પ્રાઇવેટ પાર્ટમાં 3થી 4 વખત પ્લાસ્ટિકના પાઇપ નાખવામાં આવ્યા હતા. યુવતીના આક્ષેપ મુજબ, આ સમગ્ર ઘટના દરમિયાન કારમાં 6 યુવકો સામેલ હતા.
હોસ્પિટલ નજીક યુવતીને છોડીને ફરાર
યુવતીના જણાવ્યા મુજબ, ઘટના બાદ આરોપીઓ તેને ઇન્દોરમાં અરવિંદો હોસ્પિટલ નજીક સીસીટીવી કેમેરા ન હોય તેવી જગ્યાએ છોડીને ફરાર થઈ ગયા હતા. રાત્રે લગભગ 9 વાગ્યે યુવતીએ તેના સગીર ભાઈને ફોન કરીને પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. ભાઈ હોસ્પિટલ નજીક પહોંચ્યો હતો. ત્યારબાદ બંને ઉજ્જૈનના નાનાખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં.
રાત્રે 12 વાગ્યે ફરિયાદ, પોલીસ તપાસ શરૂ
યુવતીએ રાત્રે લગભગ 12 વાગ્યે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની પૂછપરછ કર્યા બાદ તબીબી તપાસ માટે હોસ્પિટલ મોકલી હતી પોલીસે યુવતીની ફરિયાદના આધારે ચક્રેશ અને અન્ય એક આરોપી સામે એફઆઈઆર નોંધી છે. યુવતીએ 6 લોકો સામે આરોપ લગાવ્યો હોવા છતાં હાલ બે સામે જ ગુનો નોંધાયો છે.
તબીબી તપાસમાં ઈજાના નિશાન નહીં
પોલીસના જણાવ્યા મુજબ, યુવતીની તબીબી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં તેના પ્રાઇવેટ પાર્ટ પર કોઈ પ્રકારની ઈજાના નિશાન મળ્યા નથી. જોકે, આ બાબતને આધારે ફરિયાદમાં લગાવવામાં આવેલા તમામ આરોપો અંગે અંતિમ નિષ્કર્ષ કાઢી શકાય નહીં. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે.
આરોપીઓની શોધખોળ ચાલુ
પોલીસના જણાવ્યા મુજબ, યુવતી છેલ્લા 2થી 3 વર્ષથી પરિવારથી અલગ રહેતી હતી. તે પોતાની મરજીથી ઉજ્જૈન આવી હતી. હાલ પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : New Delhi : કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધાર્યું