દિલ્હીમાં 14 વર્ષના સગીરને ડાર્ક વેબ પર ડેટા વેચવાના પ્રયાસ બદલ કસ્ટડીમાં લેવાયો છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ ડેટા અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલો હોઈ શકે છે. સગીરે પૈસા કમાવા ડાર્ક વેબ પર ગ્રાહકો શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોદો પાર પડે તે પૂર્વે જ એજન્સીઓએ તેને ઝડપી લીધો હતો.

તેણે માત્ર આ ડેટા વેચવા માટેની એક જાહેરાત મૂકી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરે ચોરેલો ડેટા સીધો ડાર્ક વેબ પર અપલોડ કર્યો નહોતો, પરંતુ તેણે માત્ર આ ડેટા વેચવા માટેની એક જાહેરાત મૂકી હતી. આરોપી સગીરે સરકારી વેબસાઇટના મુખ્ય પેજની કોડિંગમાં રહેલી ટેકનિકલ ખામીઓ શોધી કાઢી હતી. ત્યારબાદ તેણે આધુનિક એઆઇ ટૂલ એટલે કે બોટની મદદ મેળવીને વેબસાઇટને હેક કરી લીધી હતી. 

મહત્વના એકાઉન્ટ્સના પાસવર્ડ ચોરી લીધા 

વેબસાઇટમાં અનધિકૃત પ્રવેશ મેળવ્યા બાદ તેણે એવા મહત્વના એકાઉન્ટ્સના પાસવર્ડ ચોરી લીધા હતા, જ્યાં ઉમેદવારો દ્વારા જમા કરાવવામાં આવેલા નોકરીના અરજી ફોર્મ સંગ્રહિત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સગીર પાસેથી અમુક ડેટા પણ મળી આવ્યો છે, જેની હાલ ઊંડાણપૂર્વક ટેકનિકલ તપાસ ચાલી રહી છે. સગીરે આ સમગ્ર કૃત્ય માત્ર પૈસા કમાવાના હેતુથી આચર્યું હોવાની પ્રાથમિક માહિતી પૂછપરછમાં સામે આવી છે.

સગીરે અંદાજે 2,500 થી વધુ જવાનોનો મહત્વપૂર્ણ ડેટા ચોર્યો

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી સગીરે અંદાજે 2,500 થી વધુ જવાનોનો મહત્વપૂર્ણ ડેટા પોતાના કબજામાં મેળવી લીધો હતો. આ તમામ જવાનો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022 માં શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજના અંતર્ગત થલ સેના, નૌસેના અને વાયુ સેનામાં અગ્નિવીર તરીકે સામેલ થયા હતા.

સગીરે ડાર્ક વેબ પર એક ખાસ લિસ્ટિંગ મૂકીને દાવો કર્યો

14 વર્ષના આ સગીરે ડાર્ક વેબ પર એક ખાસ લિસ્ટિંગ મૂકીને દાવો કર્યો હતો કે તેની પાસે આ તમામ અગ્નિવીરોની અંગત વિગતો સુરક્ષિત ડેટાબેઝમાંથી ચોરીને રાખેલી છે. ચોરી કરવામાં આવેલા આ સંવેદનશીલ ડેટામાં 47 જેટલા સરકારી વિભાગો તેમજ વિવિધ પોલીસ સ્ટેશનોમાં જમા કરવામાં આવેલા ભરતી અને નોકરી સંબંધિત તમામ અરજી ફોર્મનો પણ સમાવેશ થાય છે.

સમગ્ર ડેટાની કડક ચકાસણી શરુ

હાલમાં વિવિધ તપાસ એજન્સીઓ કબજે કરવામાં આવેલા સમગ્ર ડેટાની કડક ચકાસણી કરી રહી છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે તેમાં અગ્નિવીરોની સુરક્ષા સંબંધિત કેટલી સંવેદનશીલ માહિતી રહેલી છે. આ સાથે પોલીસ તંત્ર એ બાબતની પણ સઘન તપાસ કરી રહ્યું છે કે સગીરે વાસ્તવમાં આ ડેટા કેવી રીતે મેળવ્યો અને શું અગ્નિવીર ભરતી પોર્ટલને કોઈ પણ સત્તાવાર પરવાનગી વિના હેક કરીને એક્સેસ કરવામાં આવ્યું હતું. ડાર્ક વેબ પર આ માહિતી ખરીદવા માટે કોઈ ચોક્કસ ખરીદદાર સાથે સોદો પાકો થાય અને દેશના જવાનોની અંગત વિગતો બીજા કોઈના હાથમાં જાય તે પહેલાં જ તપાસ ટુકડીઓએ સગીરને કસ્ટડીમાં લઈ લીધો હતો.       


આ પણ વાંચો :    Sugar Prices : ખાંડના ભાવમાં ભડકો, અનેક શહેરોમાં કિલોનો ભાવ રૂ. 70 સુધી પહોંચ્યો, સરકારનાં પગલાં છતાં ગ્રાહકોને રાહત નહીં