દિલ્હી પોલીસના વેસ્ટ જિલ્લાની સાયબર ટીમે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલીને લોકોના ફોનમાં ઘૂસણખોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર રાજ્યોના આઠ જિલ્લામાં 17 સ્થળોએ દરોડા પાડીને 22 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન આરોપીઓના વિવિધ બેન્ક ખાતાઓમાં જમા રહેલા આશરે રૂ. 20 કરોડ જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે.

એક હજારથી પણ વધુ ફરિયાદોમાં છેતરપિંડીની પદ્ધતિ એકસરખી

દિલ્હી પોલીસના વેસ્ટ જિલ્લાની સાયબર ટીમને છેલ્લા કેટલાક સમયથી સાયબર ઠગાઈ અંગેની સતત ફરિયાદો મળી રહી હતી. આ તમામ મામલાઓની ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે એક હજારથી પણ વધુ ફરિયાદોમાં છેતરપિંડીની પદ્ધતિ એકસરખી હતી. ભોગ બનનાર તમામ લોકોને વોટ્સએપના માધ્યમથી એપીકે ફાઇલ મોકલવામાં આવી રહી હતી. 

આરોપીઓના છુપા ઠેકાણાઓની ઓળખ

આ સમાનતા સામે આવ્યા બાદ પોલીસે તમામ ફરિયાદોનું પરસ્પર ચકાસણી કરી હતી. અને સાયબર આરોપીઓ સુધી પહોંચવા માટે વિશેષ તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ તપાસના આધારે આરોપીઓના છુપા ઠેકાણાઓની ઓળખ કરવામાં આવી હતી.

ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં દરોડા

ત્યારબાદ દિલ્હી પોલીસના 62 સભ્યોની એક વિશેષ ટીમ ઝારખંડ પહોંચી હતી. પોલીસે ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એમ ચાર રાજ્યોમાં એકસાથે 17 સ્થળો પર આયોજનબદ્ધ દરોડા પાડ્યા હતા. આ વ્યાપક ઓપરેશન દરમિયાન 22 સાયબર ગઠિયાઓની ધરપકડ કરવામાં આવી હતી. 

ગેરકાયદે નેટવર્કનું મુખ્ય કેન્દ્ર ઝારખંડનું જામતારા હતું

પોલીસના જણાવ્યા અનુસાર, આ આખા ગેરકાયદે નેટવર્કનું મુખ્ય કેન્દ્ર ઝારખંડનું જામતારા હતું. આ ઉપરાંત દેવઘર, ગિરિડીહ, નવાદા, જમુઈ અને ઉત્તર પ્રદેશના ગોરખપુર સહિતના અન્ય વિસ્તારોમાં પણ છાપેમારી હાથ ધરવામાં આવી હતી. આ પોલીસ કાર્યવાહી દરમિયાન કેટલાક આરોપીઓ ખેતરોમાં છુપાઈને ભાગવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા, જ્યારે એક સ્થળે સ્થાનિક લોકો દ્વારા પોલીસ ટીમનો વિરોધ કરવાનો પ્રયાસ પણ થયો હતો.

એપીકે ફાઇલ શું છે તે જાણવું અત્યંત જરૂરી 

આ આંતરરાજ્ય ગેંગની છેતરપિંડીની પદ્ધતિ સમજવા માટે એપીકે ફાઇલ શું છે તે જાણવું અત્યંત જરૂરી છે. વાસ્તવમાં એપીકે એ એન્ડ્રોઇડ ફોનમાં નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે વપરાતી ફાઇલ હોય છે. આ સાયબર ઠગ ટોળકી આ જ ફાઇલના માધ્યમથી સામાન્ય લોકોના મોબાઇલ ફોન સુધી પહોંચ બનાવી રહી હતી. 

સાયબર ઠગ લોકો સાથે સાયબર ફ્રોડ આચરતા હતા

ઠગબાજો વોટ્સએપ પર લોકોને અજાણી એપીકે ફાઇલ મોકલતા હતા. જ્યારે કોઈ અજાણ વ્યક્તિ તેને ડાઉનલોડ કરીને ફોનમાં ઇન્સ્ટોલ કરે, ત્યારે તે એપ્લિકેશન મોબાઇલ ગેલેરી, ફોન કોલ્સ અને મેસેજ જેવી અંગત સેવાઓની મંજૂરી માગતી હતી. જો મોબાઇલ યુઝર આ તમામ પરમિશન આપી દે, તો એપ્લિકેશનને યુઝરની તમામ અંગત અને ગુપ્ત માહિતી સુધી સીધો પ્રવેશ મળી જતો હતો. આ કપટી રીતનો ઉપયોગ કરીને સાયબર ઠગ લોકો સાથે સાયબર ફ્રોડ આચરતા હતા. 

ખાસ એપીકે ફાઇલ તૈયાર કરનારા ડેવલપર્સ સક્રિય 

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગનું આખું નેટવર્ક વ્યવસ્થિત રીતે ત્રણ સ્તરે કામ કરી રહ્યું હતું. સૌથી પહેલા સ્તરે ખાસ એપીકે ફાઇલ તૈયાર કરનારા ડેવલપર્સ સક્રિય હતા. બીજા સ્તરે તે ખતરનાક ફાઇલોને સામાન્ય લોકોના વોટ્સએપ સુધી પહોંચાડનારા સભ્યો કાર્યરત હતા. જ્યારે ત્રીજા સ્તરે એવા લોકો કામ કરતા હતા જેઓ ચોરાયેલી માહિતીનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરતા હતા. પોલીસે આ ગુનાહિત નેટવર્કમાં એપીકે ફાઇલ બનાવનારા ત્રણ મુખ્ય ડેવલપર્સની પણ ધરપકડ કરી લીધી છે.

આરોપીઓ પાસેથી 68 મોબાઇલ ફોન જપ્ત કર્યા

પોલીસે ચારેય રાજ્યોમાં પાડેલા દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી 68 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ જ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને હજારો લોકોને એપીકે ફાઇલો મોકલવામાં આવતી હતી. પોલીસની સઘન તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગની કપટી એપીકે ફાઇલ દેશભરના આશરે 22 હજાર મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરવામાં આવી ચૂકી હતી.

20 કરોડ જેટલી રકમ પણ ફ્રીઝ કરી

આ ઉપરાંત નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ એટલે કે એનસીઆરપી પર નોંધાયેલી 2,080 જેટલી ફરિયાદોનો આ નેટવર્ક સાથે સીધો સંબંધ હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે આ ઓપરેશનથી આ ફરિયાદોના કેસ ઉકેલવામાં મહત્વની મદદ મળી છે. પોલીસે આ નેટવર્ક સાથે સંકળાયેલા વિવિધ બેન્ક ખાતાઓમાં જમા રહેલા આશરે રૂ. 20 કરોડ જેટલી રકમ પણ ફ્રીઝ કરી દીધી છે. હાલમાં પકડાયેલા તમામ આરોપીઓની સઘન પૂછપરછ ચાલુ છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ નેટવર્કથી લોકોને કેટલું આર્થિક નુકસાન થયું અને અન્ય કોણ જોડાયેલું હતું.


આ પણ વાંચો :   Sugar Prices : ખાંડના ભાવમાં ભડકો, અનેક શહેરોમાં કિલોનો ભાવ રૂ. 70 સુધી પહોંચ્યો, સરકારનાં પગલાં છતાં ગ્રાહકોને રાહત નહીં