હરિયાણાના ઝજ્જર જિલ્લાના દુલીના ગામમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગેંગસ્ટર મૈનપાલ ઢિલ્લાના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. મૈનપાલે માત્ર 12 કલાકના પેરોલ પર જેલમાંથી બહાર આવી કંબોડિયાની મેટા ચાન સાથે હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

લગ્નમંડપ બન્યો પોલીસ છાવણી

ઝજ્જર-ગુરુગ્રામ રોડ પર આવેલા દુલીના ફાર્મહાઉસમાં લગ્ન સમારોહ યોજાયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર ફાર્મહાઉસને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. લગ્નમાં આવતા સંબંધીઓની તપાસ કરવામાં આવી હતી, જ્યારે મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

3 બાળકો સાથે કંબોડિયાથી આવી દુલ્હન

મૈનપાલ ઢિલ્લા પેરોલ પરથી ફરાર થયા બાદ કંબોડિયામાં રહેતો હતો. આ દરમિયાન તેને મેટા ચાન સાથે પ્રેમ થયો હતો. બંનેનાં 4 બાળકો છે, જેમાંથી 1 બાળક હાલમાં કંબોડિયામાં છે. મેટા ચાન પોતાના 3 બાળકો અને પરિવારજનો સાથે લગ્ન માટે ભારત આવી હતી. સમારોહમાં આશરે 500થી 600 મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સવારે 8 વાગ્યે જેલમાંથી બહાર, રાત્રે 8 વાગ્યે વાપસી

લગ્ન માટે મૈનપાલને માત્ર 12 કલાકના પેરોલની મંજૂરી મળી હતી. સવારે 8 વાગ્યે જેલમાંથી બહાર આવેલા મૈનપાલે નક્કી કરેલા સમયપત્રક મુજબ લગ્નની વિધિઓ પૂર્ણ કરી હતી. તેને રાત્રે 8 વાગ્યા સુધીમાં ફરી જેલમાં હાજર થવાનું હતું.

2018માં પેરોલ પર છૂટીને કંબોડિયા ભાગ્યો હતો

મૈનપાલને 2007ના હત્યા સહિતના ગુનાઓના કેસમાં 2013માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 2018માં 6 અઠવાડિયાના પેરોલ પર છૂટ્યા બાદ તે ફરાર થઈ કંબોડિયા પહોંચ્યો હતો. નવેમ્બર 2024માં તેની સામે ઇન્ટરપોલની રેડ નોટિસ જાહેર થઈ હતી. જુલાઈ 2025માં કંબોડિયામાં ધરપકડ બાદ સપ્ટેમ્બર 2025માં તેને ભારત પરત લાવવામાં આવ્યો હતો  


આ પણ વાંચો  :   New Delhi: જો જ્ઞાનેશ કુમાર 48 કલાકમાં રાજીનામુ નહીં આપે તો જંતર મંતર 2.0 શરુ કરવાનું CJPનું એલાન