મેરઠના દેશ-વિદેશમાં ચર્ચાસ્પદ બનેલા બ્લુ ડ્રમ હત્યા કેસમાં મર્ચન્ટ નેવીકર્મી સૌરભ રાજપૂતની ઘાતકી હત્યા મામલે ડિસ્ટ્રિક્ટ જજ અરવિંદ કુમાર મિશ્રાની અદાલતે બુધવારે પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે સાંજે 4:15 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંને ગુનેગારોને મૃત્યુદંડ ફટકારવાની સાથે પુરાવાનો નાશ કરવા બદલ રૂ. 50-50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

મુસ્કાને પ્રેમી સાહિલ સાથે મળી હત્યા કરી

આ સનસનાટીભર્યા મામલાની વિગત મુજબ ઇન્દિરાનગર ખાતે રહેતા મર્ચન્ટ નેવી કર્મચારી સૌરભ રાજપૂતની 3 માર્ચ 2025ની રાત્રે ઘરમાં જ પત્ની મુસ્કાને પ્રેમી સાહિલ સાથે મળી હત્યા કરી હતી. મુસ્કાને ભોજનમાં બેહોશીની દવા આપી સૌરભને બેભાન કર્યો અને છાતીમાં છરીના ઘા મારી પતાવી દીધો હતો. 

મૃતદેહના અંગો બ્લુ ડ્રમમાં ભરી સિમેન્ટથી જમાવી દીધા

ત્યાર બાદ બંનેએ ઘરના બાથરૂમમાં મૃતદેહના ટુકડા કર્યા, જેમાં માથું ધડથી કાપી અલગ કર્યું અને બંને હાથ કાંડામાંથી કાપી નાખ્યા હતા. પછી મૃતદેહના અંગો બ્લુ ડ્રમમાં ભરી સિમેન્ટથી જમાવી દીધા હતા. આ હત્યા બાદ મુસ્કાન અને સાહિલ ટેક્સી મારફતે હિમાચલ ભાગી ગયા, ત્યાં મોજશોખ કરતા રહ્યા અને મંદિરમાં લગ્ન પણ કરી લીધા હતા. તેઓ 18 માર્ચે મેરઠ પરત આવ્યા ત્યારે હત્યાકાંડનો પર્દાફાશ થયો અને પોલીસે બંનેની ધરપકડ કરી ડ્રમમાંથી મૃતદેહ કબજે કર્યો હતો.

30 સપ્ટેમ્બર 2026ના રોજ બંનેને દોષિત ઠેરવ્યા 

અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરફથી જિલ્લા સરકારી વકીલ કે.કે. ચૌબે અને વાદી પક્ષના વકીલ વિજય બહાદુરે 22 સાક્ષીઓ રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા રજૂ કરાયેલી એક હજાર પાનાની ચાર્જશીટ, સંજોગોવશાત્ પુરાવા અને ફોરેન્સિક રિપોર્ટના આધારે કોર્ટે 30 સપ્ટેમ્બર 2026ના રોજ બંનેને દોષિત ઠેરવ્યા હતા. 14 ઓક્ટોબર 2026ના રોજ બંને પક્ષો વચ્ચે સવા કલાક સુધી તીખી દલીલો ચાલી હતી. 

મુસ્કાન અને સાહિલનું સમાજમાં રહેવું જોખમી

પ્રોસિક્યુશને જણાવ્યું કે મુસ્કાન અને સાહિલનું સમાજમાં રહેવું જોખમી છે અને તેમણે પતિ-પત્નીના સંબંધને કલંકિત કર્યો છે. બંનેએ કોઈ પસ્તાવો દર્શાવ્યો નથી કે માફી પણ માંગી નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને તેને વિરલ કેસ ગણાવી ફાંસીની માંગ કરાઈ હતી, જ્યારે બચાવ પક્ષે મુસ્કાનની બે પુત્રીઓ અને પ્રથમ ગુનો હોવાનો હવાલો આપી ઓછી સજાની વિનંતી કરી હતી.

ગુનેગારોને તેમના અપરાધ મુજબ દંડ આપવો એ જ સાચો ધર્મ 

ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટે ભગવદ્ ગીતાનો સંદર્ભ આપતા સ્પષ્ટ નોંધ્યું કે ગુનેગારોને તેમના અપરાધ મુજબ દંડ આપવો એ જ સાચો ધર્મ છે. ફાંસીનો આદેશ સાંભળતા જ બંને હત્યારાઓ કોર્ટ સમક્ષ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા, જ્યારે મૃતક સૌરભના માતાએ આ મહત્વપૂર્ણ ચુકાદાને ન્યાયની મોટી જીત ગણાવી હતી. આ ચર્ચાસ્પદ હત્યાકાંડમાં કોઈ પણ પ્રતયક્ષદર્શી સાક્ષી ન હોવા છતાં અદાલતે ફાસ્ટ-ટ્રેકની માફક ઝડપી સુનાવણી હાથ ધરી હતી અને માત્ર 590 દિવસ તથા 127 મુદતમાં પીડિત પરિવારને ન્યાય અપાવ્યો હતો.  


આ પણ વાંચો :  Meerut : પ્રેમ, દગો અને ખૂન, વાંચો..બ્લૂ ડ્રેમ કેસથી ચર્ચિત સૌરભ હત્યાકાંડની કંપાવી નાખે તેવી કહાની