ઠાણે ક્રાઇમ બ્રાન્ચના એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ સેલ (AHTC)એ કથિત સેક્સ રેકેટ સામે કાર્યવાહી કરતાં એક ભોજપુરી અભિનેત્રીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, અભિનેત્રી પર વેશ્યાવૃત્તિ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. કાર્યવાહી દરમિયાન 2 મહિલાઓને પણ રેસ્ક્યૂ કરવામાં આવી છે, જેમને કથિત રીતે વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.

ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે ગોઠવ્યો ટ્રેપ

પોલીસને આરોપી અભિનેત્રીની કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અંજલી આંધલેના નેતૃત્વ હેઠળ AHTCની ટીમે માહિતીની ખરાઈ કરવા માટે કાર્યવાહીનું આયોજન કર્યું હતું. પોલીસે ઠાણેના વાઘલે એસ્ટેટ વિસ્તારમાં ટ્રેપ ગોઠવ્યો હતો. ત્યારબાદ 26 સપ્ટેમ્બરે પદવાલ નગર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

2 મહિલાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ, બપોરે આશરે 3 વાગ્યે આરોપી અભિનેત્રીને ત્યારે ઝડપી લેવામાં આવી જ્યારે તે કથિત રીતે 2 મહિલાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કરી રહી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે બંને મહિલાઓને રેસ્ક્યૂ કરી હતી. ત્યારબાદ આરોપી અભિનેત્રીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી હતી.

ભોજપુરી-હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી અભિનેત્રીએ ભોજપુરી અને હિન્દી ભાષાની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે વિવિધ ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી 10થી વધુ વેબ સિરીઝમાં પણ જોવા મળી હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસની તપાસ શરુ

હવે તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કથિત સેક્સ રેકેટ સાથે અભિનેત્રીનું જોડાણ કેટલું હતું અને આ સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં. પોલીસે આરોપી વિરુદ્ધ BNSની સંબંધિત કલમો ઉપરાંત ઇમમોરલ ટ્રાફિકીંગ એક્ટ હેઠળ FIR નોંધાવી છે.

બંને મહિલાઓની પણ પૂછપરછ

રેસ્ક્યૂ કરવામાં આવેલી બંને મહિલાઓ પાસેથી પણ પોલીસ માહિતી મેળવી રહી છે. તપાસ એજન્સી કથિત નેટવર્કના અન્ય સભ્યો અને સમગ્ર ગતિવિધિ અંગે તપાસ કરી રહી છે. હાલ આ કેસમાં વધુ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.  


આ પણ વાંચો  :  CJP : કોકરોચોએ ભાજપ સરકારે બનાવેલી સ્કૂલની પહેલીવાર કરી પ્રશંસા,કહ્યું- ‘આવી સ્કૂલ વધુ બનાવો’, Video