વિઝિટર વિઝા પર વિદેશ મોકલી ગેરકાયદેસર કામ કરાવવાનો અને મુશ્કેલી આવે ત્યારે હાથ ઊંચા કરી લેવાનો આ ગંભીર આરોપ છે શાહીબાગ સ્થિત વર્લ્ડ વિઝા કન્સલ્ટન્સી સામે.
વિદેશ જવાની ઇચ્છા દરેક યુવાનનુ સપનો હોય છે
અમદાવાદના હર્ષ પટેલને પણ રશિયામાં વેરહાઉસ જોબ, સારો પગાર અને વર્ક પરમિટનો લાલચ અપાયો. આ સમગ્ર ડીલ શાહીબાગ વિસ્તારમાં આવેલી વર્લ્ડ વિઝા કન્સલ્ટન્સીના સંચાલક સોહમ પંડયા અને તેના સહયોગી ભૌમિક પંચાલ દ્વારા કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. હર્ષને કહેવામાં આવ્યું “તમે વિઝિટર વિઝા પર જશો, રશિયા પહોંચતા જ રેડ કાર્ડ અને વર્ક પરમિટ બની જશે.” વિશ્વાસ રાખી હર્ષે કુલ અંદાજે રૂ. 2.50 લાખ જેટલો ખર્ચ કર્યો. જેમાં રૂ. 1,20,000 –ઓનલાઈન ટ્રાન્સફર, રૂ.65,000 દિલ્હીમાં મની એક્સચેન્જ, રૂ.12,000 મુંબઈ વિઝા સબમિશન, 622 USD રશિયામાં ખર્ચ અને છેલ્લે 500 USD રશિયાના સ્થાનિક એજન્ટ “Sam”ને આપવામાં આવ્યા.
મોસ્કો એરપોર્ટ પરથી તેને 2 થી 2.5 કલાક દૂર ડોમોડેડોવો વિસ્તારમાં મોકલાયો
27 જાન્યુઆરીએ હર્ષ રશિયા પહોંચ્યો. મોસ્કો એરપોર્ટ પરથી તેને 2 થી 2.5 કલાક દૂર ડોમોડેડોવો વિસ્તારમાં મોકલાયો. ત્યાં જે સ્થિતિ હતી તે ડરામણી હતી. માઈનસ 26 ડિગ્રી તાપમાન ન ટોઈલેટ, ન વોશરૂમ, ન હીટર, 25 થી 30 ભારતીયો એક રૂમમાં બંગાળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા, તેલંગાણા સહિત અનેક રાજ્યોના યુવાનો ત્યાં ફસાયેલા હતા. વિઝિટર વિઝા પર ગેરકાયદેસર કામ કરાવતા સમયે રશિયન પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી. જે દિવસે હર્ષને કામ પર લગાવવામાં આવ્યો, એ જ દિવસે પોલીસ રેડ પડી. ત્યારબાદ હર્ષ એજન્ટને સમગ્ર હકીકત કહે છે “અમે કહ્યું હતું કે વિઝિટર વિઝા પર કામ કરવું ગેરકાયદેસર છે. પણ એજન્ટે કહ્યું તું ખોટું બોલે છે. કામ પર લાગી જા, કાર્ડ મળી જશે. જ્યારે પાછા આવવાની વાત કરી તો કહ્યું પૈસા પાછા નહીં મળે.”
પોલીસ આ મામલે ફરિયાદ નોંધે તે જરૂરી છે
હર્ષે સોલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તપાસની ખાતરી આપવામાં આવી છે, પરંતુ FIR હજુ સુધી નોંધાઈ નથી એવો હર્ષનો આક્ષેપ છે. આક્ષેપ તો એ પણ છે કે ફરિયાદ દરમિયાન એજન્ટ પોલીસ સ્ટેશન પહોંચી દબાણ કરાયું. “આ મામલો માત્ર એક યુવાનનો નથી. આ એક મોટા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય વિઝા ફ્રોડ નેટવર્ક તરફ ઈશારો કરે છે. પ્રશ્ન એ છે કે લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન, વિડિયો પુરાવા અને ગંભીર આક્ષેપો હોવા છતાં FIR કેમ નથી? શું તંત્ર વધુ યુવાનો ફસાયા પછી જ કાર્યવાહી કરશે?”ઇન્વિટેશન લેટરમાં એક શહેર અને કામ માટે બીજું શહેર આ સીધો વિઝા નિયમોનો ભંગ છે. વિઝિટર વિઝા પર કામ કરાવવું કાયદેસર નથી. પોલીસ રેડ, ફાઈન અને ડિપોર્ટેશનનો ખતરો હોવા છતાં એજન્ટો યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ સમગ્ર મામલે તપાસ ક્યાં સુધી પહોંચે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું. પરંતુ સવાલ હજુ યથાવત છે, પુરાવા હોવા છતાં FIR કેમ નથી?
આ પણ વાંચો : Gujarat Latest News Live : સુરતમાં અકસ્માતમાં એક જ પરિવારના 3ના મોત, વરાછા ઓવરબ્રિજ પર બની ઘટના