કરન્સી સિક્યુરિટી પેપર અંગે આરોપીઓની પૂછપરછ કરાઈ રહી છે અને ઈન્ક અને અન્ય મટિરિયલ ક્યાંથી મેળવ્યું તેની પૂછપરછ કરાઈ રહી છે, નકલી નોટનું કોડીંગ ક્યાંથી મેળવ્યું તે અંગે પૂછપરછ, ચેટ જીપીટીના કોડીંગ ક્યાંથી મેળવ્યા તે અંગે તપાસ અને કરન્સી સિક્યુરિટી પેપરના ગેરકાયદે વેચાણને લઇ પૂછપરછ કરાઈ રહી છે, ભારતની કરન્સીના પેપર ચાઈનામાં કેવી રીતે વેચાય તે સવાલ અને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર એજન્ટોની તપાસનો ધમધમાટ ચાલુ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કર્યો છે

અમરાઈવાડી અને સુરતમાંથી ઝડપાયેલા 2.48 કરોડના નકલી ચલણી નોટના રેકેટમાં ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય સૂત્રધાર યોગગુરુ પદીપ અને તેની ગેંગે શરૂઆતમાં જાતે ચલણી નોટો છાપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા ડાર્કવેબનો સહારો લીધો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે, ચાઈના એજન્ટોએ મળવા બાબતે પ્રદિપને સમય આપતા ન હતા. આ વચ્ચે પ્રદિપે સાઉથના રાજ્યમાં રહેતા એક દલાલનો સંપર્ક કરતા ચાઈ નામાં એજન્ટો સાથે મિટિંગ ફિક્સ થઇ હતી. આ બાદ યોગ ગુરુ પ્રદીપ ગત જાન્યુઆરીમાં ચીનના ગ્વાંગઝાઉ અને કિંગડાઓ ખાતે એજન્ટોને મળવા ગયો હતો. ચીની એજન્ટો સાથેની મિટિંગ બાદ ૫૦૦ના દરની નોટ બનાવવા માટે સિક્યુરિટી થ્રેડ પેપર અને ખાસ પ્રકારની ઈકનો સોદો થયો હતો.

રો-મટીરિયલ ભારત લાવવા માટે પાર્સલ પર સ્ટેશનરી હોવાનો ઉલ્લેખ કરાતો હતો

પ્રદીપે અત્યાર સુધીમાં આવા ત્રણ પાર્સલ એર કુરિયર અને શીપમેન્ટ મારફતે મંગાવ્યા હતા, જે પેટે પાર્સલ દીઠ ૧.૫૦ લાખનો ચાર્જ ચૂકવવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ અંગે વધુ વિગતો મેળવવા કસ્ટમ વિભાગનો સંપર્ક સાધ્યો છે. સુરતમાં સિક્યુરિટી પેપર મંગાવ્યા બાદ પણ ડિઝાઈન સેટ થતી ન હોવાથી ચીની એજન્ટોએ પ્રદીપને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નું પેઈડ વર્ઝન વાપરવાની સલાહ આપી હતી. એજન્ટોએ ચીનથી ખાસ પ્રોમ્પટ તૈયાર કરીને મોકલ્યા હતા, જેના આધારે ગેંગે ૫૦૦ના દરની આબેહૂબ નોટોનું પ્રિન્ટિંગ કર્યું હતું.

99.99 ટકા ઓરિજનલ જેવા થ્રેડ હતા

ઝડપાયેલી નોટોમાં સિક્યુરિટી થ્રેડ ૯૯.૯૯% ઓરિજિનલ જેવો જ જણાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ હાઈ-લેવલ સિક્યુરિટી પેપર ચીનથી કેવી રીતે મળ્યા તે એક મોટો પ્રશ્ન છે. આથી, નકલી નોટો અને પેપરના સેમ્પલ તપાસ માટે નાગપુર સ્થિત RBIની પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર દ્વારા કડક પૂછપરછ કરાઈ

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોતે પ્રદીપ અને તેની ગેંગના સાત શખ્સોની કડકાઈથી પૂછપરછ કરી હતી. આ તપાસમાં નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની પણ કડીઓ મળી છે. આ ઉપરાંત, પ્રદીપ સામેઆયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરવા બદલ વધુ એક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

પ્રદીપ સાથે કસ્ટમ વિભાગમાંથી કોઇ સંડોવાયેલું છે કે કેમ?

એર પાર્સલમાં સિક્યુરિટી થ્રેડ પેપર આવતા હોવાનો ઘટસ્ફોટ થયા બાદ કસ્ટમ વિભાગમાંથી કોઇ કર્મચારી યોગગુરૂ પ્રદિપ સાથે સંડોવાયેલ છે કે કેમ ? તે દિશામાં કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીએ ગૃપ્તરાહે તપાસ શરૂ કરી છે. બીજી તરફ, અગાઉ મંગાવેલા ત્રણેય પાર્સલ ક્યારે આવ્યા અને તે વખતે કસ્ટમ વિભાગમાં કોણ ડયૂટી પર હાજર હતુ તેની વિગતોના આધારે કસ્ટમ વિભાગ તપાસ કરી રહ્યું છે.


આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, આજથી મહત્તમ તાપમાન વધશે