પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
અમદાવાદમાં જાણીતુ મસાલા બજાર અને દિલ્હી દરવાજા નજીક આવેલું એક પોલીસ સ્ટેશન કે જયાં "વનના રાજાનું" રાજ
અમદાવાદ શહેરમાં સામગેટ 27 પીઆઈની બદલી કરવામાં આવતા મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં વહિવટદારો બદલાઈ ગયા છે, ત્યારે અમદાવાદ શહેરમાં દિલ્હી દરવાજા અને જાણીતા મસાલા માર્કેટની પાસે આવેલું એક પોલીસ સ્ટેશન કે જયાં એક સાથે 2 વહિવટદાર સરખા સેટીંગ સાથે વિસ્તારમાં ચાલી રહ્યા છે, તો પોલીસ બેડામાં એવી પણ ચર્ચા છે કે, એક વહિવટદારની નોકરી જિલ્લા બદલીમાં જામનગર છે તો બીજા વહિવટદારની નોકરી કાલુપુર રેલવે સ્ટેશનની નજીકના એક પોલીસ સ્ટેશનમાં છે, ત્યારે વન અને મનની આ જોડીએ પીઆઈને ખુશ કરવા માટે વિસ્તારમાં નવા રસ્તા પણ શોધી નાખ્યા છે.
અમદાવાદ શહેરમાં ફરી PIની બદલી આવશે ! વહિવટદારોમાં ચિંતાનું મોજું
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા 518 પીઆઈની બદલી કરવામાં આવી છે, અમદાવાદથી 60 ટકા પીઆઈની બદલી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આવી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ બેડામાં એવી વાતે જોર પકડયું છે કે, જે પીઆઈ અમદાવાદ બહારથી આવ્યા છે અને જે પોલીસ સ્ટેશન ખાલી હશે ત્યાં તેમને મૂકવામાં આવશે, તો અમદાવાદ શહેરમાં ફરી પીઆઈઓની બદલી આવી શકે છે, ઘણા વહિવટદારો ચિંતામાં છે કે, નવા પીઆઈ તેમને વહિવટ આપશે કે નહી, ત્યારે અમદાવાદ શહેર પોલીસમાં ઘણા પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈઓની નિમણૂંક નક્કી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે થોડાક સમય પહેલા જ મોટા ભાગના પીઆઈની બદલી કરી હતી અને જે પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ પીઆઈ હતા ત્યાં પણ રેગ્યુલર પીઆઈ મૂકવામાં આવ્યા છે, પણ 3 વર્ષ અથવા 3 વર્ષથી વધુનો સમય જે પીઆઈને અમદાવાદમાં થયો હતો તેવા પીઆઈની બદલી આવતા અમદાવાદ શહેરમાં ઘણા પોલીસ સ્ટેશન ફરી ખાલી થાય તો નવાઈ નહી.
વાંક કોનો છે એ બે નંબરની વાત પણ, મારૂ પોલીસ સ્ટેશન છે, ચલ નીકળ લુખ્ખા આવા શબ્દો PSIને શોભે છે ?
અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ જયેશભાઈનો વીડિયો ખૂબ વાયરલ થયો સોશિયલ મીડિયામાં જે વીડિયો છે તેમાં તેઓ કહી રહ્યાં છે કે, આ મારૂ પોલીસ સ્ટેશન છે, ચલ નીકળ લુખ્ખા, બધાના નામ લખો, હજી અહીં બેસીસ તો હજુ લુખ્ખો કહીશ, મારુ પોલીસ સ્ટેશન છે અહીં મારુ ચાલશે, બધી હોશિયારી નીકળી જશે હમણાં...આવા શબ્દો જાહેરમાં બોલવા તે કેટલા યોગ્ય છે તમે જ કહો, પોલીસ સ્ટેશન આવતો અરજદાર તમારા માટે તો ભગવાન સમાન જ છે પણ ડબલ સ્ટાર પહેર્યા કે પોલીસમાં છો એટલે કોઈને પણ દમ મારવો એ યોગ્ય વાત નથી, આ બધી ઘટનામાં વાંક કોનો છે કોનો નહી એ કોઈ નથી જોવાનું પણ, પીએસઆઈ સાહેબ તમે પણ તમારો વીડિયો જોજો તમે કેવું બોલી રહ્યાં છો, અરજદાર એક તો તકલીફમાં છે એટલે પોલીસ સ્ટેશન આવે છે અને તેમાં પણ તમે આવું વર્તન કરશો ! તમને આ વર્તન શોભે છે !
ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ચેકિંગના નામે વહિવટદારો ખેલી પાડી રહ્યાં છે !
ગેસ અછતની વચ્ચે પોલીસને જાણે મજા આવી ગઈ હોય એમ લાગે છે, ત્યારે અમદાવાદ પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ચેકિંગના બહાને પોલીસને રૂપિયા મળી રહ્યાં છે ! અમદાવાદ શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશન કે જયાં ગેસ સિલિન્ડરના ગોડાઉનો આવેલા છે ત્યાં પોલીસે ચેકિંગ તો કર્યું, પરંતુ પોલીસ ગોડાઉનમાં પ્રવેશતા વેપારીઓ પણ ગભરાવા લાગ્યા હતા, ત્યારે એવી ચર્ચા એ જોર પકડયું છે કે, ગેસ સિલિન્ડરના નામ વહિવટદારોએ ગેસ ગોડાઉનના માલિકો પાસેથી રૂપિયા પણ લીધા છે, ત્યારે આ વાત અમને પણ સૂત્રો તરફથી સામે મળી છે એટલે આપની સમક્ષ મૂકી છે, સત્યતા તો હવે વહિવટદાર જાણે અને ગેસ ગોડાઉનનો માલિક જાણે.
ગુજરાત પોલીસ દ્વારા આરોપીના કઢાતા ‘વરઘોડા' એ ન્યાય તંત્રનું સરેઆમ અપમાન !
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ બાદ તેમનો જાહેરમાં 'વરધોડો' કાઢવો અથવા જે-તે વિસ્તારમાં દોરડાથી બાંધીને ઘટનાસ્થળે લઈ જઈને જાહેરમાં માર મારવાની ઘટનાઓ વધી રહી છે. તેમાં ખેડાથી લઈને જૂનાગઢ અને ભાવનગરથી લઈને ઝીલિયા પાટણની સોશિયલ મીડિયા પર આવી ઘટનાઓના વીડિયો જોઈ સામાન્ય જનતા પોલીસને સિંઘમ ગણી રહી છે. ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ કહી ચૂકી છે કે પોલીસને કોઈ પણ વ્યક્તિને ગુનેગાર સાબિત થવા પહેલાં જાહેરમાં અપમાનિત કરવાનો કે શારીરિક ઈજા પહોંચાડવાનો અધિકાર જ નથી આમ છતાંય ગુજરાતમાં પોલીસને આરોપીઓને જાહેરમાં ફટકારી રહી છે. અદાલતમાં ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ નિર્દોષ છે. પોલીસ જેની ધરપકડ કરે છે તે માત્ર ‘આરોપી' છે, 'ગુનેગાર’ નહીં. જ્યારે પોલીસ જાહેરમાં માર મારે છે ત્યારે તે વ્યક્તિના નિર્દોષ હોવાના અધિકાર' પર સીધો પ્રહાર છે.