અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ અગાઉ એક પરિવારે બજારમાંથી ઢોંસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું હતું. આ ખીરું ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી હતી, જેમાં 3 મહિના અને 4 વર્ષની બે માસૂમ બાળકીઓના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે બાળકીઓના માતા-પિતા હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
તંત્રની બેદરકારી સામે સવાલો
પરિવારના આક્રંદ વચ્ચે આરોગ્ય તંત્ર અને ફૂડ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે. આટલી મોટી દુર્ઘટના બની હોવા છતાં, તંત્રના અધિકારીઓ ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દંપતીની દરકાર લેવાની તસ્દી પણ તંત્ર દ્વારા લેવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
