અમદાવાદ શહેરના નારોલ સર્કલ પાસેથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક મોટી કાર્યવાહી કરતા રૂપિયા 2.08 લાખથી વધુના મુદ્દામાલ સાથે 406 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો છે. આ કેસ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ડુંગળીની આડમાં લવાતો હતો નશો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત પટેલના જણાવ્યા અનુસાર, ડ્રગ્સ માફિયાઓએ પોલીસને છેતરવા માટે ડુંગળી ભરેલી ટ્રકની આડમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો. ક્રાઇમ બ્રાંચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે નારોલ સર્કલ પાસે વોચ ગોઠવી મહારાષ્ટ્રના ધુલેના રહેવાસી દિપક જાટ અને સતેજ પાવરા નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સોને આ ડિલિવરી કરવા માટે 50 હજાર રૂપિયા મળવાના હતા.
મહારાષ્ટ્રમાં થતી ગાંજાની ખેતીનો ખુલાસો
તપાસમાં સામે આવ્યું છે કે, આ ગાંજો મહારાષ્ટ્રના કરમાલા વિસ્તારમાં કરવામાં આવતી ગેરકાયદેસર ખેતીમાંથી મેળવવામાં આવ્યો હતો. મુખ્ય સૂત્રધાર સાંતારામ પાવરા અને સાગર પાવરાએ આ જથ્થો મોકલ્યો હોવાનું બહાર આવ્યું છે. સાંતારામ પોતે પાયલોટીંગ (આગળ રસ્તો ક્લિયર હોવાની સૂચના આપવી) કરી રહ્યો હતો, પરંતુ પોલીસની ગંધ આવી જતા તે ફોન બંધ કરી ફરાર થઈ ગયો છે.
8 મહિના પહેલા પણ અમદાવાદમાં ઉતાર્યો હતો જથ્થો
પોલીસ તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, સાંતારામ પાવરાએ 8 મહિના અગાઉ પણ અમદાવાદમાં ગાંજાનો મોટો જથ્થો સફળતાપૂર્વક ઉતાર્યો હતો. આ ગેંગ પકડાઈ ન જાય તે માટે દર વખતે નવા માણસોનો ઉપયોગ કરતી હતી. હાલમાં પોલીસે 406 કિલો ગાંજો અને વાહન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.









