અમદાવાદ શહેર પોલીસ દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રોહિબિશન કેસ, કરોડો રૂપિયાની છેતરપિંડી, વિઝા ફ્રોડ અને માર્ગ અકસ્માતમાં મોતના બનાવો મુખ્ય છે.
કાપડ બજારમાં કરોડોનો વિશ્વાસઘાત
અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીના બે મોટા બનાવો નોંધાયા છે. રાયપુર ન્યુ ક્લોથ માર્કેટના એક વેપારી પાસેથી 6 શખ્સોએ ભેગા મળી રૂપિયા 2.48 કરોડથી વધુની કિંમતનું ડેનિમ જીન્સનું કાપડ ખરીદી નાણાં ન ચૂકવી છેતરપિંડી કરી છે. અન્ય એક કિસ્સામાં, ઇસનપુરના વેપારી સાથે મુંબઈના શખ્સોએ ડેનિમ કાપડના સોદામાં કુલ રૂપિયા 1.52 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાના નામે છેતરપિંડી
ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક યુવકને ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા કઢાવી આપવાના બહાને રૂપિયા 25 લાખનો ખર્ચ થશે તેમ કહી રૂપિયા 5 લાખ એડવાન્સ મેળવી લેવામાં આવ્યા હતા. વિઝા ન મળતા અને પૈસા પરત માંગતા આરોપીએ માત્ર રૂપિયા 50,000 પરત આપી બાકીના રૂપિયા 4.50 લાખ ઓળવી જઈ વિશ્વાસઘાત કર્યો છે.
માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત
અમદાવાદ શહેરના 'એન' ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારે છાપા નાખવા નીકળેલા 53 વર્ષીય પુનમચંદ કલાલના એક્ટિવાને એક પુરઝડપે આવતી મોટરસાયકલે ટક્કર મારી હતી. ગંભીર ઇજાઓ પહોંચતા તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે.
પોલીસની અન્ય કાર્યવાહી
અમદાવાદ શહેર પોલીસે નશાબંધી હેઠળ 42 કેસ કરી 41 લોકોની અટકાયત કરી છે અને જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા છે. આ ઉપરાંત, તકેદારીના ભાગરૂપે કુલ 136 લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad News : શહેરમાં ભારે પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી, 16 વૃક્ષો ધરાશાયી