અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કૃષ્ણનગરના વ્યસ્ત એવા અયોધ્યા ચોક પાસે એક યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

આત્મહત્યાનું પ્રાથમિક અનુમાન


ઘટનાની મળતી માહિતી અનુસાર, અયોધ્યા ચોક પાસે આવેલા એક ઝાડ પર યુવકે ગળે ફાંસો ખાઈ લીધો હોય તેવી હાલતમાં તેનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો બનાવ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


પોલીસે હાથ ધરી તપાસ


કૃષ્ણનગર પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. મૃતક યુવક કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને તેણે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. યુવક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી છે કે, કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે અયોધ્યા ચોક વિસ્તારમાં લોકોમાં ભય અને શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ આસપાસના CCTV ફૂટેજ અને ઓળખ વિધિના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.


  • Follow us on: