પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.

અમદાવાદમાં ઉડીને આંખે વળગે તેવી PIઓની બદલી, 2 PIને તેમની સજાનું ફળ મળ્યું

અમદાવાદ શહેરમાં 27 પીઆઈની બદલી કરવામાં આવી છે અને આ બદલી બાદ અમદાવાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, જે પીઆઈની કામગીરી સારી હતી તેવા પીઆઈને તેજ જગ્યાએ રાખવામાં આવ્યા અને જે પીઆઈ વિવાદમાં આવ્યા હતા તે પીઆઈની બદલી એવી જગ્યાએ કરવામાં આવી કે જયાં ચા પણ પોતાના રૂપિયે પીવી પડે તો નવાઈ નહી, દાણીલીમડા પીઆઈને કેમિકલના છાંટા ઉડયા અને નારોલ પીઆઈને એક એજન્સીની રેડ નડી હોવાની વાત સામે આવી છે. દરિયાપુરમાં SMCએ જુગારનો મોટો કેસ કર્યો હતો તેમાં પણ સ્થાનિક પોલીસની નિષ્ફળ કામગીરી સામે આવતા દરિયાપુર PIની કંટ્રોલરૂમમાં બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વધતી સમસ્યાને લઈ કોઈ નિરાકરણ નહી ?

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ઘટવાને બદલી વધી રહી છે, મહત્વનું છે કે, સુભાષબ્રિજ બંધ થવાના કારણે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક જગ્યાએ કામો ચાલે છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે. ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ મહેનત કરી રહી છે પરંતુ નાના કર્મચારીઓ આ મહેનતમાં વધુ જસ લઈને જાય છે, પરંતુ એસી કેબિનમાં બેઠલા અધિકારીઓ કયારેક ફિલ્ડ પર ઉતરીને ઓફિસ છૂટવાના અને ઓફિસ જવાના સમયે જરાક ડોકું બહાર કાઢે તો ખબર પડે કે, શહેરીજનો ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે, ફકત ટ્રાફિકને લઈ ડ્રાઈવ કરવાથી ટ્રાફિકની સમસ્યા દૂર નહી થઈ શકે, હજી પણ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવી હશે તો પ્લાન બનાવવો જ પડશે નહીતર આ સમસ્યાથી તોબા પોકારી જવાશે.

અમદાવાદમાં 13 પોલીસ ચોકી અને સ્ટેશન ચાલે છે ભાડે

અમદાવાદમાં 13 પોલીસ ચોકી અને સ્ટેશન ભાડા પટ્ટા પર ચાલે છે, A ડિવિઝનની DCP કચેરી છેલ્લાં 17 વર્ષથી ચાલે છે ભાડા પર, થલતેજ પોલીસ ચોકી છેલ્લાં 17 વર્ષથી ભાડા પર ચાલે છે, સાબરમતી વેસ્ટ પોલીસ સ્ટેશન છેલ્લાં 10 વર્ષથી ભાડા પર છે, ગુજરાત હાઉસિંગ પોલીસ ચોકી છેલ્લાં 17 વર્ષથી ભાડાં પર છે, નાગોરીવાડ પોલીસ ચોકી છેલ્લાં 55 વર્ષથી ભાડા પર છે, કૃષ્ણનગર સૈજપુર અને એસ. ટી પોલીસ ચોકી છેલ્લા 10 વર્ષથી ભાડા પર છે, ચમનપુરા પોલીસ ચોકી છેલ્લા 38 વર્ષથી ભાડા પર છે, ચારોડિયા પોલીસ ચોકી છેલ્લાં 46 વર્ષથી ભાડા પર છે અને હાટકેશ્વર પોલીસ ચોકી છેલ્લા 54 વર્ષથી ભાડા પર છે, ઓઢવ GIDC પોલીસ ચોકી છેલ્લા 32 વર્ષથી ભાડા પર છે, વેજલપુર પોલીસ ચોકી છેલ્લા 12 વર્ષથી ભાડા પર છે, તો આ બધામાં છેલ્લા 2 વર્ષમાં ભાડા પહોંચની વિગતો અધૂરી હોવાથી રૂ.3866 ભાડું ચૂકવાનું બાકી હોવાની વાત સામે આવી છે.

અમદાવાદનો ક્રાઈમ ટ્રેન્ડ બદલાયો જેમાં હત્યા-દુષ્કર્મના કેસ ઘટયા પણ ડિજિટલ ગુનેગારો વધ્યા

અમદાવાદ શહેર પોલીસ કમિશનરના હસ્તે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં શહેર પોલીસના અધિકારીઓ હાજર રહ્યાં હતા, બધાને એમ હતુ કે સાહેબ ખખડાવે નહી તો સારૂ, પણ વાત એમ હતી કે એવું કઈ થયું નહી, પણ મહત્વની વાત તો એ સામે આવી છે કે, હત્યા અને દુષ્કર્મના કેસો ઘટયા છે તેની સામે ડિજિટલ ગુનેગારો સૌથી મોટો ખતરો બનીને ઉભી છે, ડિજિટલ ગુનાને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસને કસર કસવાની જરૂર છે અથવા વધારે ટ્રેનિંગની જરૂર છે, કેમકે જે રીતે સાયબરના કિસ્સાઓ વધી રહ્યાં છે તેને લઈ વાત કરીએ તો શહેરના ઘણા પીઆઈને સાયબરને ટ્રેનિંગ જરૂરી છે, ખાલી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલથી આ ટ્રેનિંગ નહી ચાલે પરંતુ ત્રણ તારા વાળા અધિકારીઓને પણ આ ટ્રેનિંગ અપાય તેવી વાત પોલીસબેડામાં ચાલી રહી છે.

ચોરીના આરોપીનો ફોન ચેક કર્યો તો તેમાથી ક્રિકેટનું આઈડી મળી આવ્યું, પોલીસને ગળે ઉતરે એ રીતે રૂપિયા લઈ લીધા

અમદાવાદ શહેરના છેવાડે આવેલું પોલીસ સ્ટેશન અને ગાંધીનગરથી નજીક આવેલું એક એવું પોલીસ સ્ટેશન કે, જયાં દૂધની ચોરીને લઈ બે આરોપીને લઈને આવવામાં આવે છે અને જેમાંથી એક આરોપીના ફોનમાંથી પોલીસને ક્રિકેટનું આઈડી મળી આવે છે, જોકે આઈડી મળતા પોલીસે તેનો કેસ તો કર્યો નહી પરંતુ જે કેસ માટે લાવવામાં આવ્યા હતા તે કેસમાંથી જામીન અપાવી દઈશું તેમ કહીને પોલીસે એક લાખ કરતા વધુ રૂપિયા લઈ લીધા હોવાની ચર્ચાએ જોર પકડયું છે, સૂત્રો તરફથી આ માહિતી મળી છે, મહત્વની વાત તો એ છે કે, આરોપીના મિત્રએ પણ તરત રૂપિયા આપવાની સહમતિ દર્શાવી હતી અને પોલીસને બગાસુ ખાતા પતાસું મળ્યું હતુ.


આ પણ વાંચો : Weather News : માર્ચમાં અંગ દઝાડતી ગરમી પડી શકે છે, હવામાન વિભાગે કરી આગાહી, જાણો તમારા શહેરમાં કેવું રહેશે વાતાવરણ