પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.

કે કંપનીની સજા ભોગવીને કોન્સ્ટેબલો કંટાળ્યા, કહ્યું, અમને તો બહાર કાઢો

અમદાવાદ શહેરમાં ઘણા સમય પહેલા મોટા ભાગે બદલીઓનો દોર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી હતી, જે લોકો પોલીસ સ્ટેશનમાં હતા તેમને ટ્રાફિક પોલીસમાં મૂકવામાં આવ્યા છે, પણ આ બધાની વચ્ચે જો ચિંતામાં હોય તો કે કંપનીમાં ફરજ બજાવતા મોટા વહિવટદારો છે, કેમકે હવે તેમને ચિંતા સતાવી રહી છે કે, અમને તો કોઈ પોલીસ સ્ટેશન ફાળવો, કયાં સુધી અમે જાપ્તા કરતા રહીશું, ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ કે કંપનીના કર્મચારીઓ તરફ નજર નાખે અને જે લોકોને બહાર કાઢવાના છે તેમને સમય પ્રમાણે પોલીસ સ્ટેશન ફળવાયા તેવી માગ ઉઠી છે.

ખાખીની ખૂમારી પર વેઈટિંગનું ગ્રહણ, રાજયના 240 પ્રમોટેડ PI વેઈટિંગ ઈન પોસ્ટિંગ

ગુજરાત પોલીસ વિભાગમાં ગત વર્ષે ફેબ્રુઆરીથી જૂન વચ્ચે ત્રણ તબક્કામાં 240 PSIને PIનું પ્રમોશન મળ્યું હતું. પરંતુ 240 પીઆઈને 11 મહિનાથી વેઈટિંગ ઈન પોસ્ટિંગનો આ કિસ્સો ઈતિહાસમાં પ્રથમ હોવાની ચર્ચા છે. આ શિસ્તનું ડિપાર્ટમેન્ટ હોવાથી કેટલાક મોટું ખોલી શકતા નથી પરંતુ અસમંજસની આ સ્થિતિને કારણે પોલીસ બેડામાં અંદરખાને રોષ ચરમસીમાએ છે. 240 ગેઝેટેડ અધિકારીઓની હાલત હાલ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. 11 મહિનાથી ટ્રાન્સફરનો નિર્ણય પેન્ડિંગ હોવાથી 240 PI જે તે શહેર અથવા જિલ્લામાં સતત ત્રણથી ચાર વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યાં છે.

જજે PIને કહ્યું, તમારા વિસ્તારમાં ફલેટ લેવો છે, બિલ્ડરને કહેજો કે થોડું ડિસ્કાઉન્ટ કરી આપે

અમદાવાદ શહેરમાં આરોપીને લઈ પોલીસ કોર્ટમાં જતી હોય છે, ઘણીવાર ઉચ્ચ અધિકારીઓ પણ કોર્ટ સુધી જતા હોય છે, ત્યારે મિત્રતાના ભાવે પશ્ચિમ વિસ્તારના એક પીઆઈને જજે કહ્યું કે, તમારા વિસ્તારમાં ફલેટ લેવો છે તો બિલ્ડરની ઓળખાણ કરી રાખજો, તો પીઆઈ પણ મૂંઝાયા કે કરવું તો શું કરવું કેમકે પીઆઈ પણ બિલ્ડરને ઓળખતા નથી, માટે એક વહિવટદાર આ મામલે બિલ્ડરને મળવા માટે સવારથી સાંજ સુધી બિલ્ડરની ઓફીસની બહાર બેસી રહ્યો પણ ના તો બિલ્ડર મળ્યા કે ના તો પીઆઈને જવાબ આપી શકાયો.

ઘણા PIએ આ 3 પોલીસ સ્ટેશન મેળવવા રાજકીય લોબિંગ શરૂ કર્યુ, પણ ઉચ્ચ અધિકારીનો અભિગમ કામગીરીનો છે નહી કે ભલામણનો

અમદાવાદ શહેરમાં 3 પોલીસ સ્ટેશન એવા છે કે જયાં ટૂંક સમયમાં 3 PIને પોસ્ટિંગ આપવામાં આવશે અને ગાંધીનગરની હદથી નજીક આવેલું એક પોલીસ સ્ટેશન તો એવું ક્રીમ પોલીસ સ્ટેશન છે કે, ત્યાં સીટ મેળવવા માટે ઘણા પીઆઈઓએ ધારાસભ્યથી લઈ ગાંધીનગર સુધીના અધિકારીઓની ઓળખાણ લગાવી છે, પંરતું આ વખતે પોસ્ટિંગ માટે કોઈ ઓળખાણની જરૂર નથી, જરૂર છે તો બસ તમારી સારી કામગીરીની, ત્યારે આ વખતે આનંદનગર, શહેરકોટડા, કૃષ્ણનગરમાં એવા પીઆઈને પોસ્ટિંગ અપાશે કે જેમની કામગીરી સારી રહી છે, ત્યારે આ વખતે ભલામણ ના કરતા પરંતુ જો હજી પણ સારા પોલીસ સ્ટેશન જોઈતા હોય તો સારી કામગીરી કરજો તો કોઈને ભલામણ કરવાનો વારો નહી આવે.

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીએ છેલ્લા બે દિવસમાં જીવન ટૂંકાવ્યું

ઘણી વાર સાંભળ્યું છે કે, કામના ભારણના કારણે પણ લોકો આપઘાત કરતા હોય છે, ત્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 3 કોન્સ્ટેબલે જિંદગીને અલવિદા કહી દીધુ છે. ગાંધીનગરમાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ પેથાપુરના પાલુદ્રા વિસ્તારમાં પોતાના રહેઠાણ મકાનના પ્રથમ માળે આપઘાત કર્યો. ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહીલે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો. ભરૂચ શહેરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતી પરમારે આપઘાત કરી લીધો ભરૂચ હેડક્વાર્ટર ખાતેના પોતાના રૂમમાં ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ બેડામાં પોલીસનું મહેકમ ઓછું હોવાથી પોલીસકર્મીઓ આપઘાત કરી રહ્યાં હોવાની વાત પોલીસબેડામાં ચાલી રહી છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં હાડથીજવતી ઠંડીથી શહેરીજનો ઠુઠવાયા, ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીનું જોર વધ્યું