અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી પ્રાદેશિક હવામાન વિભાગની ઓફિસ (IMD) માંથી કિંમતી વૈજ્ઞાનિક મશીનોની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકારી કચેરીના પરિસરમાંથી અજાણ્યા તસ્કરોએ શહેરની હવાની ગુણવત્તા માપતી ‘એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ’ (Air Quality Monitoring System) ના મશીનો પર હાથફેરો કર્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ, ચોરાયેલા આ મશીનોની કિંમત અંદાજે ₹7.56 લાખ જેટલી થાય છે. હાઈ-પ્રોફાઈલ વિસ્તાર ગણાતા નવરંગપુરામાં સરકારી વિભાગના સુરક્ષા કવચને ભેદીને થયેલી આ ચોરીએ અનેક સવાલો ઉભા કર્યા છે.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ઘટનાની જાણ થતા જ હવામાન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી તસ્કરોની ઓળખ થઈ શકે. આ મશીનો સામાન્ય વ્યક્તિ માટે કોઈ કામના હોતા નથી, પરંતુ તે અત્યંત મોંઘા અને સંવેદનશીલ હોવાથી તેનો ઉપયોગ માત્ર સરકારી એજન્સીઓ જ કરતી હોય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ચોરી પાછળ કોઈ જાણભેદુ છે કે કેમ.
