'શિક્ષક કભી સાધારણ નહીં હોતા' - આ ઉક્તિને બનાસકાંઠાના એક શિક્ષકે લાંછન લગાડ્યું છે. આ શિક્ષકના હાથમાં પ્રલય અને નિર્માણ નહીં પણ જામ અને ચખનું જોવા મળ્યું હતું. અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી ખજૂરિયા પ્રાથમિક શાળામાં શનિવારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક શિક્ષક માર્ગદર્શકને સ્થાને ગેરમાર્ગે દોરનાર સમાન વર્તન કરતા નશાની હાલતમાં શાળામાં ફરજ બજાવતા ઝડપાયો છે.
ગ્રામજનોએ રંગેહાથ ઝડપ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, ખજૂરિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાજકુમાર નામનો શિક્ષક શનિવારે શાળાના સમયે દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. શિક્ષકને જોતા જ ગ્રામજનોને શંકા ગઈ હતી અને તેની પૂછપરછ કરતા તે ભાન ભૂલેલી હાલતમાં જ જણાયો હતો. ગામના જાગૃત નાગરિકોએ આ દ્રશ્યો જોઈ તાત્કાલિક 112 પોલીસ વાનને જાણ કરી હતી.
