ગોહિલવાડની ધરતી પર જાણે લોહીની નદીઓ વહી રહી હોય તેમ ગુનાખોરીના ગ્રાફમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, કારણ કે છેલ્લા માત્ર 14 દિવસમાં જ હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે. તાજેતરની ઘટનામાં, શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં નજીવી બાબતે એક 23 વર્ષીય આશાસ્પદ યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક સાહિલ સૈયદ મોડી રાત્રે કુંભારવાડા વિસ્તારમાં હતો, ત્યારે પાંચ શખ્સોએ તેની પાસે એક્ટિવાની માંગણી કરી હતી. સાહિલે પોતાનું એક્ટિવા આપવાની સ્પષ્ટ ના પાડી દેતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા પાંચેય શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી સાહિલ પર છરીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કર્યો હતો.













