દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ માથું ઊંચક્યું છે. ખંભાળીયામાં તસ્કરોએ પોલીસના પેટ્રોલિંગના દાવાઓને પોકળ સાબિત કરતા હોય તેમ એક જ રાતમાં અલગ-અલગ ત્રણ સ્થળો પર ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટનાઓને પગલે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


ક્યાં ક્યાં થઈ ચોરી?

ઘટનાની મળતી વિગતો અનુસાર, તસ્કરોએ મુખ્યત્વે મોબાઈલ ફોન અને વાહનને નિશાન બનાવ્યા છે.

  • ન્યારા કંપનીનો VPCL પ્લાન્ટ: અજાણ્યા તસ્કરો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
  • રેલ્વે સ્ટેશન પાસેની ફરસાણની દુકાન: સ્ટેશન રોડ પર આવેલી એક ફરસાણની દુકાનને નિશાન બનાવી ત્યાંથી પણ મોબાઈલની ચોરી કરવામાં આવી છે.
  • હંજરાપર ગામનું પાટીયું: હાઈવે નજીકથી એક મોટરસાયકલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

રૂપિયા 52,700ના મુદ્દામાલની ચોરી

આ ત્રણેય સ્થળોએથી કુલ રૂપિયા 52,700 ની કિંમતના બે મોબાઈલ ફોન અને એક મોટરસાયકલની ચોરી થઈ છે. તસ્કરોએ જે રીતે પ્લાનિંગ સાથે એકપછી એક ત્રણ સ્થળોએ હાથફેરો કર્યો છે, તેનાથી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે.

પોલીસ તપાસ તેજ

આ સમગ્ર મામલે જામ ખંભાળીયા પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓને ઝડપી પાડવા મથામણ શરૂ કરી છે. સતત વધતી ચોરીની ઘટનાઓને રોકવા માટે સ્થાનિકો દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની માગ ઉઠી છે.


આ પણ વાંચો - Dwarka: ધર્મનગરી દ્વારકામાં હોળીનો ઉત્સાહ, પવિત્ર અગ્નિની પરિક્રમા કરી ભક્તો સુખ-સમૃદ્ધિની કામના કરશે


  • Follow us on: