રાજ્યના પાટનગર ગાંધીનગરના ચિલોડા વિસ્તાર પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, મહિલાએ ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.
ટ્રકની ટક્કરે જીવ લીધો
ઘટનાની મળતી માહિતી અનુસાર, ગાંધીનગર-ચિલોડા હાઈવે પર પસાર થઈ રહેલી એક્ટિવાને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર લાગતા જ મહિલા રોડ પર પટકાઈ હતી અને ગંભીર ઈજાઓ થવાના કારણે સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.













