ગીર સોમનાથ જિલ્લામાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત જિલ્લાના ઇણાજ ખાતે આવેલી મદદનીશ ચેરિટી કમિશનરની કચેરીમાં એસીબીની ટીમે એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા તત્વો પર સકંજો કસ્યો છે. કચેરીમાં જ એસીબીની ટીમ ત્રાટકતાં લાંચિયા કર્મચારીઓ અને અન્ય સ્ટાફમાં ભારે ફફડાટ મચી ગયો છે.
ટ્રસ્ટ નોંધણી પ્રમાણપત્ર આપવાના બદલામાં માંગી હતી લાંચ
આ કેસની વિગતો મુજબ, ફરિયાદી પોતાના એક ટ્રસ્ટની નોંધણી કરાવીને તેનું સત્તાવાર પ્રમાણપત્ર મેળવવા માટે ચેરિટી કમિશનર કચેરીના ચક્કર કાપી રહ્યા હતા. આ દરમિયાન કચેરીમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા રાહુલ વંશ નામના કર્મચારીએ ફરિયાદી પાસે ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવાના બદલામાં રૂપિયા 5,000ની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો.













