જેતપુર સિટી પોલીસને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવામાં એક મોટી સફળતા મળી છે. પોલીસની સ્પેશિયલ ટીમ અને ડોગ સ્ક્વોડના લેબ્રોડોર ડોગ ‘કેપ્ટો’ ની મદદથી પોલીસે ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, જેઓ છૂપી રીતે માદક પદાર્થનું વેચાણ કરી રહ્યા હતા.


કેપ્ટો ડોગની સતર્કતાએ ખોલી પોલ

જેતપુર પોલીસને બાતમી મળી હતી કે, જેતપુર શહેરમાં ગાંજાનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ કામગીરીમાં ડોગ સ્ક્વોડના તાલીમબદ્ધ લેબ્રોડોર ડોગ 'કેપ્ટો' ની મદદ લેવામાં આવી હતી. કેપ્ટોએ પોતાની તીવ્ર સૂંઘવાની શક્તિથી સંતાડેલો નશીલા પદાર્થનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી કુલ 914 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 45,700 થાય છે.

આરોપીઓની ધરપકડ

પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં શરદબેન દિનેશભાઇ લણાગરીયા અને હનીફ સીતરભાઇ રફાઇનો સમાવેશ થાય છે. આ બંને શખ્સો આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા, તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. જેતપુર સીટી પોલીસની આ સફળતામાં ‘કેપ્ટો’ ડોગની ભૂમિકાની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે. પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Rajkot માં લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય, ગુજરાતની પ્રથમ હાઈટેક વોલ્વો બસનું થયું ભવ્ય લોન્ચિંગ


  • Follow us on: