જૂનાગઢ શહેરમાં મોબાઈલ વેપારીને પોલીસ દ્વારા માર મારવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ બનાવના વિરોધમાં શહેરના તમામ મોબાઈલ વેપારીઓએ એકજૂથ થઈને પોતાના ધંધા-રોજગાર સજ્જડ બંધ રાખ્યા હતા અને પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. વેપારીઓનો આક્ષેપ છે કે નિર્દોષ વેપારી પર હાથ ઉપાડી પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. આ મામલે વેપારીઓએ સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડીયાને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી, જેના પગલે ધારાસભ્ય પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વેપારીઓને પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી.
ખાખીના આતંક સામે વેપારી એકતા
ઘટનાની ગંભીરતાને જોતા વેપારી મંડળ દ્વારા જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. ધારાસભ્ય અને વેપારીઓના પ્રતિનિધિ મંડળની રજૂઆત બાદ જિલ્લા પોલીસ વડા (SP) એ આ મામલામાં મધ્યસ્થી કરી હતી. એસ.પી.એ વેપારીઓને આશ્વાસન આપ્યું છે કે આગામી બે દિવસમાં આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને જે પણ દોષિત જણાશે તેમની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. પોલીસ વડાની ખાતરી બાદ હાલ પૂરતો મામલો શાંત પડ્યો છે, પરંતુ વેપારીઓએ ચીમકી આપી છે કે જો ન્યાય નહીં મળે તો આંદોલન વધુ તેજ કરવામાં આવશે.













