કચ્છના મુખ્ય મથક ભુજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ભૂજ શહેરની જાણીતી જૈન સેવાભાવી સંસ્થાના સંચાલક રશ્મિકુમાર શાહની તેમના જ નિવાસસ્થાને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ હત્યા રેશનિંગના બાકી નાણાંની લેતીદેતી મામલે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ઘરમાં ઘૂસીને આપ્યો અંજામ

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી નિલેશ શાહ અને રશ્મિકુમાર શાહ વચ્ચે રાશનના બાકી રૂપિયાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નિલેશ શાહે રશ્મિકુમારના ઘરે જઈ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રશ્મિકુમારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પુરાવા નાશ કરવાનો પ્રયાસ

હત્યા કર્યા બાદ આરોપી નિલેશ શાહે ગુનાના પુરાવા નાશ કરવાના ઈરાદે ઘરમાં લાગેલા CCTV કેમેરાનું DVR કાઢીને ફેંકી દીધું હતું. જોકે, પાપનો ઘડો ભરાતા અને પોલીસના ડરથી આરોપીએ નાસવાને બદલે સીધા પોલીસ સ્ટેશન જઈને શરણાગતિ સ્વીકારી લીધી હતી. આરોપી પોતે પોલીસ સમક્ષ હાજર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભૂજ શહેરમાં ચકચાર

એક પ્રતિષ્ઠિત સેવાભાવી સંસ્થાના સંચાલકની આ રીતે હત્યા થતા જૈન સમાજ સહિત સમગ્ર ભુજ શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી, ફેંકી દેવાયેલું DVR રિકવર કરવા અને હત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Kutch : માંડવીમાં લુખ્ખા તત્વોનો આતંક, આઝાદ ચોકમાં પરપ્રાંતીય યુવકને લાકડીઓથી બેરહેમીથી ફટકાર્યો, વીડિયો વાયરલ