નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગોડથલ ગામમાં વન વિભાગની ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને ગેરકાયદે ખેરના લાકડાનું મોટું રેકેટ ઝડપી લેવામાં આવ્યું છે. પાસ-પરમિટ વિના લઈ જવાતા 16 ટન ખેરના જથ્થા સાથે નવસારી વન વિભાગની ટીમ દ્વારા એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.


16.6 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી વન વિભાગના અધિકારીઓએ આ રેડ દરમિયાન ખેરના લાકડા ભરેલી એક ટ્રક અને તેની પાયલોટિંગ કરી રહેલી નંબર પ્લેટ વિનાની હોન્ડા મોટરસાયકલ કબ્જે કરી છે. ખેરના લાકડા અને વાહનો મળીને કુલ રૂપિયા 16.6 લાખનો મુદ્દામાલ નવસારી વન વિભાગ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી લાકડાચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અર્જુન પટેલ વિરૂદ્ધ નોંધાયેલા છે 24 ગુના

આ ઘટનામાં નવસારી વન વિભાગની ટીમ દ્વારા અર્જુન પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, ઝડપાયેલા અર્જુન પટેલ વિરૂદ્ધ અગાઉ પણ લાકડાચોરીના 24 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આ શખ્સને કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે તેને નવસારી સબ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.

યુપીના શખ્સનું નામ ખુલ્યું

ઝડપાયેલા અર્જુન પટેલની પૂછપરછમાં નવસારી વન વિભાગને મહત્ત્વની કડીઓ મળી છે. તેણે કબૂલાત કરી છે કે, આ ખેરનો જથ્થો ભિલાડ વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના શેહઝાદા નામના શખ્સે ભરાવ્યો હતો. નવસારી વન વિભાગે હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે શેહઝાદા નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે અને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Navsari: લોન વુલ્ફ એટેકનું આતંકી ષડયંત્ર નિષ્ફળ,ATSની તપાસમાં ફૈઝાનના ખતરનાક ઈરાદાઓનો પર્દાફાશ!



  • Follow us on: