નવસારીની ચીખલી પોલીસે નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા હાંસલ કરી છે. મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટેમ્પાને અટકાવીને તપાસ કરતા પોલીસને તેમાંથી અંદાજે રૂ. 50 લાખની રોકડ રકમ મળી આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ રકમ વિવિધ પાર્સલની આડમાં અત્યંત ગુપ્ત રીતે છુપાવવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને રૂ. 10, 20 અને 50ની ચલણી નોટોના હજારો બંડલ મળી આવ્યા છે, જેની ગણતરી કરતા લાંબો સમય લાગ્યો હતો. આ સાથે જ સરકારે રદ કરેલી રૂ. 2,000 ની 18 નોટો પણ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે.
પોલીસ પણ ચોંકી ઉઠી
આ ઘટના બાદ ચીખલી પોલીસે ટેમ્પાના ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ નાણાં કોના છે અને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા તે અંગે કોઈ સ્પષ્ટ દસ્તાવેજો મળી આવ્યા નથી. આટલી મોટી માત્રામાં રોકડ હોવાથી પોલીસે તાત્કાલિક ધોરણે ઈન્કમ ટેક્સ (આયકર) વિભાગને જાણ કરી છે. હવે આ કેસમાં હવાલા કૌભાંડ કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જોડાયેલી છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.













