પાટણના હારીજ હાઈવે પર વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શાકભાજી વેચીને પોતાના ઘરે છકડો રિક્ષા લઈને પરત ફરી રહેલા બે સગા ભાઈઓને કાળનો પંજો ભરખી ગયો છે. હારીજ ત્રણ રસ્તા પાસે આવેલ માખણિયા વિસ્તાર નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટર્બો ચાલકે છકડાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે 32 વર્ષીય સુનિલ પટણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેના 24 વર્ષીય નાના ભાઈ અમિત પટણીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
માખણિયા પાસે કરુણાંતિકા
આ અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108 ને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત અમિતને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ પરિવારે બંને આશાસ્પદ યુવાનો ગુમાવતા પટણી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ટર્બો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે રોજીરોટી કમાઈને પરત ફરતા શ્રમિક ભાઈઓના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.













