રાજકોટ જિલ્લાના જસદણ શહેરના વ્યસ્ત ગણાતા સરદાર ચોક વિસ્તારમાં એક યુવક પર છરી વડે હિંસક હુમલો થવાની ઘટના સામે આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અજાણ્યા શખ્સો દ્વારા યુવકને નિશાન બનાવી છરીના આડેધડ ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેમાં યુવકને હાથ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તેને જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
સરદાર ચોક પાસે યુવક પર છરીબાજી
આ ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલાખોરો કોણ હતા તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સરદાર ચોક અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે. પ્રત્યક્ષદર્શીઓના નિવેદન અને યુવકની પૂછપરછના આધારે હુમલા પાછળ કોઈ અંગત અદાવત કે અન્ય કોઈ વિવાદ જવાબદાર છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
